ઘટનાનાં આગલા દિવસે મૃતકનાં ખેતરમાં છૂપાયા’તાં : રોકડ તેમજ દાગીના મળી રૂ. 7.66 લાખનો મુદ્દામાલ કબ્જે
જૂનાગઢ, તા.21: વંથલીનાં સેંદરડા ગામે મહિલા પોલીસ કર્મચારીના વૃધ્ધ ખેડૂત માતા-પિતાની હત્યા અને લૂંટમાં મુદ્દામાલ સાથે પોલીસે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે એક શખસની શોધ આદરી છે.
વંથલી તાલુકાનાં સેંદરડા ગામની સીમમાં વાડીએ રહેતા રાજાભાઈ જીલડીયા અને તેમના પત્ની જાલુબેનની હત્યા થઈ હતી. અજાણ્યા શખ્સો હત્યા કર્યા બાદ મૃતકનાં ઘરમાંથી રૂ. 7 લાખની માલમત્તાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.
ડીઆઈજી મનીન્દર પ્રતાપાસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ સેટીએ તાત્કાલીક ઘટનાનો ભેદ ઉકેલવા સૂચના જારી કરી હતી.ડીવાયએસપી પી.જી. જાડેજા તથા જે.બી. ગઢવીનાં સુપરવીઝનમાં ક્રાઈમ બ્રાંચનાં ઇન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી તેમજ પીએસઆઈ ઓ ડી.જી. બડવા, એ.ડી. વાળા, બી.એસ. જલુ, જે.એન. વાળા, એ.એમ. ગોહિલ, એ.પી. ડોડિયા અને એસ.એન. સગારકા સહિતનો પોલીસ કાફલો કામે લાગ્યો હતો. શુક્રવારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ગુન્હાનો ભેદ ઉકેલાયો હોવાનું જણાવાયું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવેલ કે મૃતકને ત્યાં અગાઉ ખેતમજૂરી કરી ચૂકેલા શખ્સો શંકાસ્પદ જણાતા કાલાવડ તાલુકાનાં પીઠડિયા ગામની સીમમાંથી પ્રેમચંદ દીપા કલારા, પ્રતાપ બચુ બારીયા અને રાકેશ જવાભાઈ બારીયાને દબોચી લઈ ક્રાઈમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્યા હતા.
આકરી પૂછપરછમાં આ ત્રિપુટીએ ખેડૂત દંપતીની હત્યા અને બાદમાં લૂંટ કર્યાની કબૂલાત આપી હતી.આ શખસો ઘટનાનાં આગલા દિવસે મૃતકનાં ખેતરમાં છૂપાઈ ગયા હતા અને મોડીરાત્રે ગુન્હાને અંજામ આપ્યો હતો.પોલીસે ત્રણેય ઇસમો પાસેથી રૂ. પ0,9પપની રોકડ તેમજ સોનાનાં દાગીના મળી કુલ રૂ. 7.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની તપાસમાં એવું ખુલ્યું હતું કે, મગફળીની સીઝનમાં દાહોદ પંથકનો પ્રેમચંદ નામનો શખસ મજૂરી કામ માટે સેંદરડા આવ્યો હતો. તેને મૃતકના પુત્ર જગદીશ ઉર્ફે જગાએ કામે રાખ્યો હતો. સીઝન પૂરી થતાં તે જતો રહ્યો હતો. હત્યા અને લૂંટના દિવસોમાં તે કોઇ કારણ વગર સેંદરડા આવ્યો હતો. આથી તેની સંડોવણી હોવાની શંકાના આધારે તેની શોધ કરવામાં આવી હતી અને કાલાવડ તાલુકાના પીઠવડી-1 ગામની સીમમાંથી દાહોદના ધાનપુર તાલુકાના ચંગાસરના પ્રેમચંદ દિપા કલારા, જાંબુ ગામના વતની અને સાવલી તાલુકાના મેવલિયાપુરા ગામે ઇંટના ભઠ્ઠામાં કામ કરતાં અર્જુન પ્રતાપ બારિયા અને દામનગરની સીમમાં મજૂરી કામ કરતાં રાકેશ જવા બારિયાને ઉઠાવી લીધા હતાં. પ્રેમચંદ અને મહેશ ભુરિયાએ દંપતીની વાડીમાં કામ કર્યુ હોવાથી તે વાડીમાં દંપતી એકલુ રહેતુ હોવાનું અને મજૂરીના પૈસા કયાંથી અને કેવી રીતે આપતા હતાં. તે જાણતા હતાં. પ્રેમચંદ અને અર્જુન બારિયાએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. બાદમાં ચારેય શખસ જૂનાગઢ આવ્યા હતાં અને ચારેક કલાક બસ સ્ટેશનમાં રોકાયા હતાં.ત્યાંથી બે શખસ ઇકો કારમાં અને બે જણા બસમાં ખોખરડા ફાટકે ગયા હતાં. ત્યાંથી બે શખસ રિક્ષા અને બે ચાલીને સેંદરડા પહોંચ્યા હતાં. બાદમાં તા.17મીએ રાતના તુવેરના પાકમાં સંતાયા હતાં.મોડી રાતના મોકો મળતા ઘરમાં ઘૂસ્યા હતાં અને લૂંટ કરી હતી.આ સમયે દંપતી જાગી જતાં બન્નેની હત્યા કરીને નાસી ગયા હતાં.ત્રણ કાલાવડ પંથકમાં સગા કામ કરતા હોય ત્યાં પહોંચ્યા હતાં. જ્યારે એક વડોદરા તરફ નાસી ગયો હતો. કાલાવડ પંથકમાંથી પકડાયેલા આ ત્રણેયે દંપતીની હત્યા અને લૂંટનો ગુનો કબૂલ્યો હતો. એ ત્રણેયને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.
વંથલીનાં દંપતીની હત્યા-લૂંટમાં 3 પકડાયાં : એકની શોધ
