યુપીમાં મારા સિવાય કોઈ અન્ય ચહેરાને જોઈ શકો છો? : પ્રિયંકા

યુપીમાં મારા સિવાય કોઈ અન્ય ચહેરાને જોઈ શકો છો? : પ્રિયંકા
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 21 : કૉંગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ખુદને પાર્ટીનો ચહેરો ગણાવ્યો, પણ એ કહ્યું નહીં કે તેઓ ચૂંટણી લડશે કે નહીં. 
યુપીમાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો કોણ હશે પૂછતા તેમણે કહ્યું કે, શું તમને કૉંગ્રેસ પક્ષમાં કોઈ ચહેરો દેખાય છે. કૉંગ્રેસ નેતાએ તેમના ભાઈ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પક્ષનો યુવા ઢંઢેરો જાહેર કરવા માટે પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું, તમે દરેક જગ્યાએ મારો ચહેરો જોઈ રહ્યા છો.
શું તમે પોતે વિધાનસભાની ચૂંટણી લડશો પ્રશ્નના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે હજી નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું કે આ બધું નક્કી થયા બાદ જ જાણ  શકાશે. જોકે, એનડીટીવી સાથેની મુલાકાતમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે, બધાનો એક જ પ્રશ્ન હતો અને મે એ રીતે જવાબ આપ્યો હતો. જેનાથી કોઈ નવી ગણતરી ન માંડતા. પ્રિયંકા ગાંધી, જેઓ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના પ્રભારી મહાસચિવ છે, તેમણે કહ્યું કે જો ચૂંટણી બાદ સંજોગો એવા સર્જાશે તો પક્ષ નક્કી અન્ય પક્ષોને ટેકો આપવા અંગે વિચારણા કરશે. જોકે, તેમણે કહ્યું કે જો આ પ્રકારની ગઠબંધનની સરકાર બની તો કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં યુવાનો, ખાસ કરીને મહિલાઓ માટેની યોજનાઓના અમલ માટે પ્રાથમિકતા આપશે.  રાહુલ ગાંધી અને પ્રિયંકા, બંનેએ દિલ્હીના  અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી મુખ્યાલયમાં ઉત્તર પ્રદેશના યુવા ઘોષણાપત્રને જાહેર કર્યો હતો.
બંને નેતાઓએ પાર્ટી મુખ્યાલયમાં અક ખાસ પત્રકાર પરિષદને સંબોધિત કરી. આ એક દુર્લભ અવસર હતો, જ્યારે કૉંગ્રેસ પક્ષના બંને નેતાઓએ સંયુક્તપણે મીડિયાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, ઘોષણાપત્રમાં યુવાનોના વિચારો પરિવર્તિત થાય છે. કૉંગ્રેસે ઉત્તર પ્રદેશના યુવાનો સાથે ચર્ચા વિચારણા કરી છે અને તેમના વિચારો પક્ષના ઘોષણાપત્રમાં પ્રતાબિંબિત થાય છે. રાહુલે એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં યુવાનોને એક નવી દૃષ્ટિની જરૂર છે, અને કૉંગ્રેસ રાજ્યને એ દૃષ્ટિ આપી શકે છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, અમે નફરત નથી ફેલાવતા, અમે લોકોને એક કરીએ છીએ. અમે યુવાનોની તાકાતથી એક નવું ઉત્તર પ્રદેશ બનાવવા માંગીએ છીએ.
પ્રિયંકા ગાંધીએ રોજગાર અંગેની વાત પણ કરી હતી. યુપીમાં સૌથી મોટી સમસ્યા ભરતીની છે. યુવાનો નિરાશ છે. અમે એક વિઝન આપ્યું છે કે તેમની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થઈ શકે છે. તેમણે કહ્યું કે, વિવિધ પદો પર ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નોકરી માટેનું કૅલેન્ડર બનાવવામાં આવશે જેમાં ભરતી પ્રક્રિયાની તમામ જાણકારી હશે.  કૉંગ્રેસ પાર્ટી યુવાનો અને મહિલાઓ સાથે ચૂંટણીમાં જંપલાવી રહી છે અને એણે ઘોષણા કરી છે કે એ ઉત્તર પ્રદેશમાં મહિલાઓ માટે 40 ટકા બેઠકો અનામત રાખશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer