50 વર્ષે સ્થળ બદલાયુ,: ઈતિહાસ મિટાવવા પ્રયાસનો કોંગ્રેસનો આરોપ,
સંકુચિત સોચ છોડી નવા ગૌરવ સ્થળોનું નિર્માણ : વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, તા.ર1 : છેલ્લા પ0 વર્ષથી ભારતમાં શહીદોની યાદમાં આન-બાન-શાનથી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર પ્રજ્જવલિત અમર જવાન જ્યોતનો શુક્રવારે બપોરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં મશાલથી વિલય કરાયો હતો. અમર જવાન જ્યોતનું સ્થળ બદલાતાં વાદ-વિવાદ સર્જાયો છે. મોદી સરકારે અને સૈન્યએ સ્પષ્ટતા કરી છે કે અમર જવાન જ્યોતની જ્વાળાઓને બુઝાવવામાં આવી નથી તેનો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જ્યોતિમાં વિલય કરાયો છે. સોમનાથ ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન મોદીએ કહ્યંy કે આઝાદી બાદ દિલ્હીના કેટલાક ગણતરીના પરિવારો માટે નવનિર્માણ થયુ. પરંતુ આજે સંકુચિત સોચ છોડી દેશ નવા ગૌરવ સ્થળોનું નિર્માણ કરી રહ્યો છે. ભાજપ સરકારે મહાપુરૂષો સાથે સંકળાયેલા સ્થળોને ભવ્યતા આપી છે.
વિપક્ષ કોંગ્રેસે સરકારના આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે અમર જવાન જ્યોતની જ્વાળાઓ બુઝાવવી એટલે ઈતિહાસને મિટાવવા સમાન છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ કે કેટલાક લોકો દેશ પ્રેમ અને બલિદાન સમજી નથી શકતાં. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહયુ કે અમર જવાન જ્યોતએ પાકિસ્તાનના બે ટુકડા કરવા અને એશિયાનો નકશો બદલી નાખનારા 3483 બહાદુર સૈનિકોના બલિદાનનું પ્રતીક છે. તે ખૂબ જ વિડંબનાપૂર્ણ છે કે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના પ0 વર્ષ પુર્ણ થવાના અવસરે સરકાર આઝાદી બાદની સૌથી શ્રેષ્ઠ ક્ષણને મિટાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચાનો દૌર શરુ થયો છે.
બીજીતરફ કોંગ્રેસના આરોપના જવાબમાં ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ ટ્વિટ કર્યુ કે અમર જવાન જ્યોતના સંદર્ભમાં ખોટી માહિતી પ્રસારિત કરાઈ રહી છે. સરકાર તરફથી બચાવ કરાયો કે અમર જવાન જ્યોતની જ્વાળાઓ 1971 અને અન્ય યુદ્ધના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ છે પરંતુ તેમનું નામ ત્યાં નથી. ઈન્ડિયા ગેટ પર માત્ર કેટલાક શહીદોના નામ અંકિત છે, જેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ અને એંગ્લો-અફઘાન યુદ્ધમાં અંગ્રેજો માટે લડાઈ લડી હતી.1971 અને તે પહેલા અને બાદના યુદ્ધોના તમામ ભારતીય શહીદોના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર અંકિત છે. એટલે ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એક સાચી શ્રદ્ધાંજલિ છે. જે લોકોએ 7 દાયકા સુધી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ન બનાવ્યું તેઓ હવે આપણાં શહીદ જવાનોને સ્થાયી અને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા સામે હંગામો કરી રહ્યા છે.
197રમાં ઈન્દિરા ગાંધીએ કર્યું હતું ઉદ્ઘાટન
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ઈન્ડિયા ગેઈટની નજીક માત્ર 400 મી.ના અંતરે સ્થિત છે. અમર જવાન જ્યોતનું ઈન્ડિયા ગેટ ખાતે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ર6 જાન્યુઆરી, 197રના રોજ ઉદઘાટન કર્યું હતું.વડાપ્રધાન મોદીએ રપ ફેબ્રુઆરી, ર019ના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કર્યું હતું જ્યાં રપ94ર શહીદ સૈનિકોના નામ સ્વર્ણ અક્ષરોમાં અંકિત કરાયા છે.
યુદ્ધ સ્મારકમાં વિલીન અમર જવાન જ્યોત
