નવી દિલ્હી, તા. 21 : ભારત જેવા વિકાસશીલ દેશ સામે બેરોજગારી અને વસ્તી વધારો પહેલેથી મોટા પડકારો છે ત્યારે કોરોના મહામારીએ બેરોજગારીની સમસ્યાને વધુ વિકરાળ બનાવી છે. એક અહેવાલ અનુસાર દેશમાં બેરોજગારોની સંખ્યા પાંચ કરોડથી વધુ થઈ ગઈ છે. આ બેરોજગારોમાં મહિલાઓની સંખ્યા પણ ઘણી
વધુ છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ની એક દિવસ પહેલાં જારી થયેલા અહેવાલ અનુસાર ડિસેમ્બર-2021 સુધી દેશમાં બેરોજગાર લોકોની સંખ્યા 5.3 કરોડ રહી હતી, જેમાં મહિલાઓની સંખ્યા 1.7 કરોડ છે. ઘરે બેઠેલા લોકોમાં એમની સંખ્યા વધુ છે જે સતત કામ શોધી રહ્યા છે. સીએમઈઆઈઈ અનુસાર સતત કામની શોધ કરવા છતાં બેરોજગાર બેઠેલા લોકોનો મોટો આંકડો ચિંતાનો વિષય છે. અહેવાલ અનુસાર કુલ 5.3 કરોડ બેરોજગારોમાંથી 3.5 કરોડ લોકો સતત કામ શોધી રહ્યા છે. તેમાં આશરે 80 ટકા મહિલાઓ છે. બાકીના 1.7 કરોડ બેરોજગારો કામ તો શરૂ કરવા માગે છે પરંતુ તેઓ સક્રિય બનીને કામની શોધ કરી રહ્યા નથી. આવા બેરોજગારોમાં 53 ટકા એટલે કે 90 લાખ મહિલા છે. સીએમઆઈઈએ કહ્યું કે ભારતમાં રોજગાર મળવાનો દર ઘણો ઓછો છે જે વધુ મોટી સમસ્યા છે.
વિશ્વ બેન્ક અનુસાર વૈશ્વિક સ્તર પર રોજગારી મળવાનો દર મહામારી પહેલાં 58 ટકા હતો, કોરોનાકાળ બાદ 2020માં દુનિયામાં 55 ટકા લોકોને રોજગાર મળી રહ્યો હતો. સીએમઆઈઈના હિસાબે ભારતમાં રોજગાર મળવાનો દર ઘણો જ ઓછો છે અને સંસ્થાનનું માનવું છે કે ભારતમાં માત્ર 38 ટકા લોકોને જ રોજગાર મળી રહ્યો છે.
દેશમાં પાંચ કરોડ લોકો બેરોજગાર
