પિતાની સંપત્તિમાં પુત્રીનો હક્ક વધુ : સુપ્રીમ કોર્ટ

પિતાની સંપત્તિમાં પુત્રીનો હક્ક વધુ : સુપ્રીમ કોર્ટ
કાકાઈ ભાઈ કરતાં દીકરીને વધુ ભાગ મળવો જોઈએ
મુંબઈ, તા. 21 : દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં પુત્રીઓના અધિકારમાં વધારો કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે ધ્યાન ખેંચનારા આદેશમાં જણાવ્યું હતું કે, પિતાનું મૃત્યુ થઈ જાય અને વસિયત ન પણ કરી હોય તોયે કાકાઈ ભાઈઓની તુલનામાં પુત્રીઓને વધુ સંપત્તિમાં ભાગ મળશે.
ન્યાયમૂર્તિ એસ. અબ્દુલનઝીર અને કૃષ્ણ મુરારિની ખંડપીઠે એક મામલાની સુનાવણી કરતાં આવો આદેશ આપ્યો હતો. વસિયત વિના કોઈ વ્યક્તિનું મોત થઈ જાય તો સંપત્તિ વડીલોપાર્જિત હોય કે મૃતક વ્યક્તિએ ખુદ ઊભી કરેલી હોય તેમાં વધુ હિસ્સો તેની પુત્રીને મળશે, તેવું ખંડપીઠે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વસિયત ન હોય તેવા કિસ્સામાં મૃતકના ભાઈઓના પુત્રો કે પુત્રીઓની તુલનાએ મૃતકની પુત્રી સંપત્તિના વધારે ભાગની હક્કદાર બનશે.
મતલબ એ થયો કે સંયુક્ત કુટુંબમાં પણ આ ફેંસલો લાગુ થશે, કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આ વ્યવસ્થા હિન્દુ ઉત્તરાધિકાર કાયદા 1956ના પહેલના મામલામાંયે લાગુ થશે. પહેલાં મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સંપત્તિ પર ભાઈના પુત્રોને અધિકારી આપી દેવાતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer