ગુજરાતમાં હવે 27 શહેરમાં રાત્રી કફર્યૂ

ગુજરાતમાં હવે 27 શહેરમાં રાત્રી કફર્યૂ
વધુ 17 શહેરમાં રાત્રે  10 થી સવારના 6 સુધી કફર્યૂ
હોટેલ્સ, રેસ્ટોરન્ટસની હોમ ડીલીવરી 24x7
અમદાવાદ, તા. 21:  રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ઘટાડવા માટે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ બેઠક બાદ સરકારે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.  તેની સાથે  કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરોમાં આવતીકાલથી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.
નવા 17 નગરોમાં 17 સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે, જેમાં આવતીકાલથી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ રહેશે. 
રાત્રિ કર્ફયુની હાલની જે સમયાવધિ તા.22 જાન્યુઆરી, 2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા. 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે. ગૃહ વિભાગે જાહેર કરેલા જાહેરનામા અનુસાર ધો.9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સન્ટરો/ ટ્યૂશન ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કાચિંગ સેન્ટરોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે તેમજ શાળા કોલેજ તેમજ અન્ય પ્રવેશ પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ભરતી અંગેની પરીક્ષાઓ કોરોનાની ગાઇડલાઇનની પાલન કરવાની શરતે એસઓપી સાથે યોજી શકાશે. 
આ સિવાય દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શાપિંગ કૉમ્પ્લેક્સ, માર્કાટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકાટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટી પાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 
રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો તથા લગ્નમાં ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. જોકે લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરીમાં બેઠક ક્ષમતાના 50% લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50% લોકોને મંજૂરી મળશે.
આ ઉપરાંત સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે. જાહેર બાગ-બગીચા રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અનિવાર્ય રહેશે. બીમાર વ્યક્તિ, સગર્ભાઓ. અશક્ત વ્યક્તિઓને સારવાર માટે અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે તેમજ મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસટી કે સિટી બસની ટીકીટ રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી રહેશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer