નવી દિલ્હી, તા. 21 : ભારતમાં વકરતાં સંક્રમણથી ઉચાટ વચ્ચે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના ટોચના વૈજ્ઞાનિક સમીરન પાંડાએ ધ્યાન ખેંચનારી આગાહી કરતાં કહ્યું છે કે, 50 દિવસમાં મહામારી દમ તોડશે.
હવે ઓમિક્રોન બાદ કોઈ નવો વેરિઅન્ટ નહીં આવે તો 11મી માર્ચ સુધીમાં સંક્રમણ સાવ ઘટી જશે. અર્થ એ થયો કે કોવિડ ફેલાવાની ગતિ ઘણી ધીમી થઈ જશે.
મેટ્રો પોલિસ હેલ્થ કેર લિ.ના ડો. નિરંજન પાટિલ કહે છે કે, ઓમિક્રોન જૂના વેરિઅન્ટ કરતાં ઘણો હળવો છે. તેનાથી ફેફસાંને ગંભીર નુકસાન થતું નથી. ટોરંટો યુનિવર્સિટીના ઈમ્યુનોલોજિસ્ટ જેનિફર ગોમ્મરમેઈન કહે છે કે, વર્તમાનમાં મોજૂદ રસીઓ અને તેના બૂસ્ટર ડોઝ રોગપ્રતિકારકતા મજબૂત કરી રહ્યા છે.
દરમ્યાન, દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર દર્દીએ રસીના બંને ડોઝ લઈ લીધા પછી ઓમિક્રોનથી સંક્રમિત થાય તો તે ડેલ્ટા વેરિઅન્ટ વિરુદ્ધ શરીરમાં એન્ટિબોડી બનાવે છે. અમેરિકાના ટોચના વૈજ્ઞાનિક ડો. એંથની ફાઉચી કહે છે કે, ઓમિક્રોનથી વિશ્વના લગભગ તમામ લોકો સંક્રમિત થશે. જો તેવું થશે તો લોકોમાં નવા વેરિઅન્ટ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ આવી જશે. તજજ્ઞોનું માનવું છે કે, જે જીવલેણ વાયરસ છે, તે દર્દીના મૃત્યુ સાથે જ મરી જાય છે.
50 દિવસમાં દમ તોડશે કોરોના!
