જામનગરમાં ચાર મોબાઈલ વિક્રેતાઓ કસ્ટમની ઝપેટમાં

દરોડા દરમ્યાન 50 મોબાઈલ કબજે લેવાયા: ઘનિષ્ઠ તપાસ આરંભાઈ
 
જામનગર, તા.13: વિદેશથી કિમંતી મોબાઈલની ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઘુસાડી સૌરાષ્ટ્રમાં ઉંચા ભાવે વેચાણ કરવામાં આવતું હોવાની હકિકત પરથી જામનગર કસ્ટમ દ્વારા જામનગર શહેર ઉપરાંત રાજકોટ અને મોરબીમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં જામનગરના ચાર વિક્રેતાઓને ત્યાંથી અંદાજે 50 કિંમતી મોબાઈલ મળી અંદાજે અઢી કરોડથી ત્રણ કરોડની કિંમતના કુલ ર00 જેટલા મોબાઈલ કબ્જે કરતા મોબાઈલ વિક્રેતાઓમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
જામનગર કસ્ટમ કમિશ્નર રામનિવાસ તેમજ આસી. કમિશ્નર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વિદેશથી સ્મગલીંગ સીન્ડીકેટ દ્વારા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કિંમતી મોબાઈલ ધુસાડવામાં આવી રહ્યાની હકિકત પરથી કસ્ટમની ટીમ દ્વારા છેલ્લા 10 થી 12 દિવસ સુધી ગુપ્તરાહે તપાસ આરંભવામાં આવી હતી. જેમાં જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં આવા મોબાઈલોનું બીલ વગર ઉંચી કિંમતે ગ્રાહકોને વહેચાણ કરી તગડી કમાણી કરવાની સાથે સરકારને ટેકસની રકમ નહી ચુકવી ગેરકાનુની કૃત્ય કરી રહ્યાની બાબતો પ્રકાશમાં આવવા
પામી હતી.
જામનગરમાં મોડીરાત્રી સુધી અવિરત જારી રહેલી તપાસણીમાં ચારેય સ્થળો પરથી 50 જેટલા કિંમતી મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા.
જામનગર કસ્ટમ દ્વારા હાથ ધરવામાં આવેલી ત્રણેય જિલ્લાઓ માંથી અંદાજે અઢી થી ત્રણ કરોડની કિંમતના આશરે 200 થી વધુ કિંમતી મોબાઈલ કબ્જે કરી તે અંગે અધિકારીઓ દ્વારા જીણવટભરી તપાસ આરંભવામાં આવી છે. જામનગર કસ્ટમની ઓચિંતી કાર્યવાહીના પગલે અનેક મોબાઈલના ધંધાર્થીઓ તેમની દુકાનો બંધ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા હતા તેમજ તેઓના મોબાઈલની સ્વીચ ઓફ કરી દેવામાં આવી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer