લિવર ફાટી જવાથી મૃત્યુ થયાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ
સુરત, તા. 13: સુરતના પાંડેસરાના વડોદ ગામે 48 વર્ષના અમર રઘુનંદન સિંગ નામના પ્રૌઢની પેટમાં દંડા મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી.
વડોદ ગામે શ્રી સાંઇનગરમાં રહેતાં અને ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા અમર રઘુનંદનસિંગની તેના જ રૂમમાંથી લાશ મળી આવી હતી. પ્રથમ આ પ્રૌઢનું કુદરતી બીમારી કે અગમ્ય કારણોસર મૃત્યુ થયાનું અનુમાન કરવામાં આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટ મોર્ટમમાં મોકલી આપ્યો હતો. પોસ્ટ મોર્ટમ કરનાર તબીબે પ્રૌઢનું મૃત્યુ પેટના ભાગે દંડા વડે જોરદાર વાર કરવાથી લીવર ફાટી જવાનાં કારણે અને પેટની અંદર દોઢેક લીટર જેટલું લોહી જમા થઈ જવાનાં કારણે મૃત્યુ થયાનો રિપોર્ટ આપ્યો હતો. તેના આધારે આ પ્રૌઢની હત્યા કરવામાં આવ્યાનું ખૂલ્યું હતું. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ખૂનનો ગુનો નોંધ્યો હતો અને શકમંદોની પૂછપરછ શરૂ કરી હતી.