ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કોરોના વિસ્ફોટ

ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કોરોના વિસ્ફોટ
શ્રીકાંત સહિતના ભારતના 7 ખેલાડી સંક્રમિત
 
નવી દિલ્હી, તા.13: ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કોરોના વિસ્ફોટ થયો છે. કિદાંબી શ્રીકાંત સહિતના ભારતના સાત ખેલાડીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંક્રમિત તમામ ખેલાડી ભારતના હોવાનું બહાર આવ્યું છે. આ ખેલાડીઓના મંગળવારે આરટીપીસીઆર ટેસ્ટ થયા હતા. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આ વાતની સત્તાવાર જાણકારી આપી છે. કોરોના સંક્રમિત ખેલાડી ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. તેમને ક્વોરન્ટાઇન કરાયા છે. આ ખેલાડીઓના વિરોધીને વોકઓવર મળ્યા છે અને આગળના રાઉન્ડમાં પહોંચ્યા છે.
ઇન્ડિયા ઓપનના પ્રારંભ પૂર્વે જ ભારતના બે ખેલાડી બી. સાઇ પ્રણિત અને ધ્રુવ રાવત પોઝિટિવ આવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે તો ભારતમાં વધતા કેસોને લીધે ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું હતું.
ભારતના જે ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. તેમાં કિદાંબી શ્રીકાંત, અશ્વિની પોનપ્પા, રિતિકા ઠાકુર, ટેરેસા જોલી, સિમરનસિંઘ, ખુશી ગુપ્તા અને મિથુન મંજૂનાથ છે. ઇન્ડિયા ઓપનમાં અનુભવી સાઇના નેહવાલ બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. સ્ટાર સિંધુ પણ બીજા રાઉન્ડમાં આસાનીથી પહોંચી છે.
 
ઇન્ડિયા ઓપનમાં ઉલટફેર માલવિકાનો અનુભવી સાઇના સામે વિજય
ઇન્ડિયા ઓપનમાં આજે મોટો ઉલટફેર થયો છે. 20 વર્ષીય માલવિકા બનસોડા નામની બિનક્રમાંકિત ખેલાડીએ અનુભવી સાઇના નેહવાલને બીજા રાઉન્ડમાં હાર આપી છે. માલવિકાનો હમવતન ખેલાડી સાઇના સામે 21-17 અને 21-9થી શાનદાર વિજય થયો હતો. વિશ્વ ક્રમાંકમાં સાઇના 2પમા નંબરે અને માલવિકા 111મા નંબરે છે. જ્યારે પીવી સિંધુએ આગેકૂચ કરી છે. તેણીએ ઇરા શર્માને 21-10 અને 21-0થી કારમી હાર આપી છે. યુવા લક્ષ્ય સેન ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. તેણે સ્વીડનના ખેલાડી ફેલિક્સ બર્સ્ટેડને 21-12 અને 21-1પથી હાર આપી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer