જોકોવિચના વિઝા વિવાદને લીધે ઓસ્ટ્રેલિયન ઓપનનો ડ્રો મુલતવી

જોકોવિચના વિઝા વિવાદને લીધે ઓસ્ટ્રેલિયન ઓપનનો ડ્રો મુલતવી
મેલબોર્ન, તા.13: ટોચના ક્રમના સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચને લઇને સર્જાયેલ અનિશ્ચિતતાને લીધે ઓસ્ટ્રેલિયન ઓપનનો ડ્રો અનિશ્ચિત મુદત માટે ટાળી દેવામાં આવ્યો છે. આ વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા અને પુરુષ વિભાગના ડ્રો આજે જાહેર થવાના હતા, પણ ટૂર્નામેન્ટના અધિકારીએ જાહેર કર્યું હતું કે હાલ તેને ટાળી દેવામાં આવ્યા છે અને કયારે થશે તેની મારી પાસે કોઇ જાણકારી નથી.
ઓસ્ટ્રેલિયન ઓપન સોમવારથી શરૂ થવાની છે. ઓસ્ટ્રેલિયા સરકાર અને નોવાક જોકોવિચ વચ્ચે વિઝા મામલે વિવાદ ચાલી રહ્યો છે. કોરોના વેકિસન ન લેનાર જોકોવિચને જનહિતને ધ્યાનમાં રાખીને દેશ બહાર કરવો  કે નહીં ? તેના પર હજુ નિર્ણય આવ્યો નથી. જોકોવિચ અહીં વિક્રમી નવ વખત ચેમ્પિયન બન્યો છે. જોકોવિચ ગત સપ્તાહે મેલબોર્ન પહોંચ્યા બાદ તેના વિઝા રદ થયા હતા. બાદમાં તેણે કાનૂની લડાઇ જીતી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પ્રવાસન મંત્રી એલેકસ હોકે કોર્ટના આ ફેસલા વિરૂધ્ધ વ્યકિતગત અધિકારનો ઉપયોગ કરીને જોકોવિચના વિઝા રદ કરવા પર વિચારણા કરી રહ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer