આજથી વેસ્ટ ઇન્ડિઝમાં U-19 વર્લ્ડ કપ: ભારતીય ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર

આજથી વેસ્ટ ઇન્ડિઝમાં U-19 વર્લ્ડ કપ: ભારતીય ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર
16 દેશના ભવિષ્યના ક્રિકેટ સિતારોઓ વચ્ચે ટક્કર: દરેક ગ્રુપની બે ટોચની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે
 
જોર્જટાઉન (વેસ્ટ ઇન્ડિઝ), તા.13: આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપનો શુક્રવારથી વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં વિશ્વના ભવિષ્યના ક્રિકેટ સિતારાઓને તેમની ચમક દેખાડવાનો મોકો મળશે. ચાર વખતની ચેમ્પિયન ભારતીય યુવા ટીમ આ વખતે પણ ખિતાબની પ્રબળ દાવેદાર છે. કોરોના મહમારી વચ્ચે રમાઈ રહેલ આ ટૂર્નામેન્ટમાં 16 દેશની જુનિયર ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. જેમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ બીમાં સ્થાન અપાયું છે જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ ડીમાં છે. બે વર્ષ પહેલા ભારતને ફાઇનલમાં હરાવીને પહેલીવાર અન્ડર-10 વિજેતા બનનાર બાંગલાદેશની ટીમ ગ્રુપ એમાં છે. બે વખતની વિજેતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ગ્રુપ સીમાં સામેલ છે. વિઝા સંબંધી સમસ્યાને લીધે અફઘાન ટીમ અહીં મોડી પહોંચી હતી. આથી તેને અભ્યાસ મેચ રમવાના મોકા મળ્યા નથી. દરેક ગ્રુપની બે ટોચની કવાર્ટર ફાઇનલમાં પહોંચશે.
ટૂર્નામેન્ટમાં હજુ સુધી બાયો બબલનું ઉલ્લંઘન થયું નથી. આમ છતાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટીમમાં કોરોના પોઝિટિવના મામલા સામે આવ્યા છે. ન્યુઝિલેન્ડની ટીમ ક્વોરન્ટાઇન નિયમના વિરોધમાં ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. યજમાન વેસ્ટ ઇન્ડિઝનો ઉદ્ઘાટન મેચમાં સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે જ્યારે સ્કોટલેન્ડની ટક્કર શ્રીલંકા વિરુદ્ધ થશે. ભારતીય યુવા ટીમ તેના અભિયાનનો પ્રારંભ શનિવારથી કરશે. તેની સામે પહેલા મેચમાં દ. આફ્રિકા હશે અને આ મેચ ગુયાનામાં રમાશે.
ભારતીય ટીમ અન્ડર-10 વર્લ્ડ કપમાં ચાર વખત ચેમ્પિયન બની છે અને દુબઈમાં એશિયા કપ જીતી અહીં પહોંચી છે. આથી યશ ધૂલના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. અભ્યાસ મેચમાં ભારતીય ટીમ વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયાને હાર આપી ચૂકી છે. ટીમને કપ્તાન યશ ધૂલ, ઓપનર હરનૂર સિંહ, શેખ રશીદ અને ઝડપી બોલર રાજવર્ધન હંગરગેકર પાસેથી ઉમદા દેખાવની આશા રહેશે. ઓસ્ટ્રેલિયાની ટીમને પણ હોટ ફેવરિટ ગણવામાં આવે છે. તે ત્રણ વખત ચેમ્પિયન બની છે.છેલ્લે બાંગાલદેશની ટીમ વિજેતા બની હતી. તેના પર ખિતાબ બચાવવાનું દબાણ રહેશે.  પાક. ટીમ પાંચ વખત ફાઇનલમાં પહોંચી છે અને બે વખત ચેમ્પિયન બની છે. શાહિન અફ્રિદી 2018ના જુનિયર  વિશ્વ કપમાં જ ચમક્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ 24 વર્ષમાં ફક્ત એકવાર જ ચેમ્પિયન બની છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer