પંજાબમાં મુખ્ય પ્રધાનના ચહેરા વગરની ચૂંટણી

પંજાબમાં મુખ્ય પ્રધાનના ચહેરા વગરની ચૂંટણી
એકપણ પક્ષે મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની ઘોષણા કરી નથી
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 13 : પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોઈપણ રાજકીય પક્ષે મુખ્ય પ્રધાન પદના પોતાના ઉમેદવારની જાહેરાત નહીં કરતાં પંજાબ ‘ફેસલેસ ઈલેક્શન’ તરફ આગળ વધી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. રાજકીય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે પરંતુ, તેમનો મુખ્ય પ્રધાન કોણ હશે એ અંગે જાહેરાત નહીં કરી રહ્યા હોવાથી એક રીતે આ ચૂંટણી અનોખી બની રહેશે.
આમ આદમી પાર્ટી પંજાબમાં પોતાના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કરે એની તમામ પક્ષો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ચંડીગઢમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું હતું અને મુખ્ય પ્રધાન નક્કી કરવા માટે લોકોના મતની માગણી કરી હતી.
કૉંગ્રેસે પણ મુખ્ય પ્રધાન પદ માટે પોતાના ઉમેદવાર અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્ની બંને, પાર્ટી હાઈ કમાન્ડને મુખ્ય પ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવાનું કહી રહ્યા છે. પરંતુ કૉંગ્રેસ હાઈકમાન્ડની સ્થિતિ ત્રિશંકુ જેવી છે કારણ કે તેઓ ચરણજિત સિંહ ચન્નીને કોરાણે મૂકવાનું જોખમ ઉઠાવી શકે નહીં.
અકાલી દળે પણ હજી સુધી એના મુખ્ય પ્રધાન પદના ચહેરાની જાહેરાત કરી નથી. જો કે બધા જાણે છે કે પાર્ટી જીતી જશે તો સુખબીર સિંહ બાદલ મુખ્ય પ્રધાન પદના મુખ્ય દાવેદાર હશે.
કૅપ્ટન અમરિન્દરના નેતૃત્વ હેઠળની પંજાબ લોક કૉંગ્રેસ અને ભાજપના ગઠબંધને હજી સુધી સંભવિત મુખ્ય પ્રધાન તરીકે કૅપ્ટનનું નામ લેવાનું ટાળ્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer