મંત્રી ધર્મસિંહ સૈની, વધુ 3 ધારાસભ્યે છેડો ફાડયો : સપા ભણી દોટ
લખનઉ, તા.13: ઉત્તરપ્રદેશ ભાજપમાં એક પછી એક રાજીનામાનું ઉભું થયેલું સંકટ વકર્યું છે. ગુરુવારે ચોથું અને છેલ્લી સ્થિતિએ કુલ 10 રાજીનામા પડી ચૂક્યાં છે. વિધાનસભા ચૂંટણીના બરાબર પહેલા ભાજપમાં મચેલી ભાગમભાગે જબરો રાજકીય ખળભળાટ મચાવ્યો છે. નવા ઘટનાક્રમમાં મંત્રી ધર્મસિંહ સૈની અને વધુ 3 ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. આમ 3 દિવસમાં 3 મંત્રીએ ભાજપ સાથે છેડો ફાડી ચૂક્યા છે. ચૂંટણી પહેલા હજુ વધુ વિકેટ ખડતી રોકવાનો ભાજપ નેતૃત્વ સામે પડકાર ઉભો થયો છે.
ઔરયાથી બિધુના ધારાસભ્ય વિનય શાક્ય, યોગી સરકારમાં આયુષ મંત્રી ધર્મસિંહ સૈની, શિકોહાબાદથી ધારાસભ્ય મુકેશ વર્મા અને લખીમપુર ખીરીના ધારાસભ્ય બાલા પ્રસાદ અવસ્થીએ ગુરુવારે રાજીનામું ધરી દીધું હતું. સુલ્તાનપુર સદરથી ભાજપના ધારાસભ્ય સીતારામ વર્મા પણ છેડો ફાડી રહ્યાની ચર્ચા ઉઠી હતી જેને તેમણે અફવા ગણાવી હતી. ગત મંગળવારે મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંત્રીમંડળથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં રાજીનામાનો એક દોર શરૂ થયો છે જે ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. સ્વામી પ્રસાદ મૌર્યનું એક નવું ટ્વિટ ભારે ચર્ચાસ્પદ બન્યું છે જેમાં તેમણે લખ્યું છે કે નાગરૂપી આરએસએસ, સાંપરૂપી ભાજપને સ્વામીરૂપી નોળિયો યુપીથી ખતમ કરીને જ દમ લેશે.
ધારાસભ્ય વિનય શાક્યએ મૌર્ય સાથે મુલાકાત બાદ કહયુ કે ભાજપમાં ન તો કામ થઈ રહ્યા હતા ન તો સમ્માન મળી રહ્યું હતું. રાજીનામું આપનાર મોટાભાગના નેતાઓએ રાજ્ય સરકાર પર દલિત, પછાત, અલ્પસંખ્યક સમુદાયના નેતાઓ અને જનપ્રતિનિધિઓની અવગણના કર્યાનો તથા દલિતો, પછાત, ખેડૂતો અને બેરોજગાર યુવાનો તથા નાના અને મધ્યમકક્ષાના વેપારીઓની ઉપેક્ષા કર્યાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ શાકયનું અપહરણ અને તેમને બળજબરીથી લખનઉ સપામાં સામેલ કરવા લઈ જવાયાનો આરોપ લગાવાયો હતો. તેમની પુત્રીનો એક વીડિયો સંદેશો વાયરલ થયો હતો.
-------------
અત્યાર સુધીમાં 3 મંત્રી અને 11 ધારાસભ્યોએ ભાજપનો સાથ છોડયો
નવીદિલ્હી, તા.13: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં નાસભાગ મચી ગઈ છે. તેનાં વિધાયકોનાં રાજીનામાની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય, દારાસિંહ ચૌહાણ અને ધર્મસિંહ સૈની સહિત કુલ 14 ધારાસભ્યો અત્યાર સુધીમાં રાજીનામા આપી ચૂક્યાં છે. આમાં એક રસપ્રદ તથ્ય એ પણ છે કે માત્ર 1 વિધાયકને બાદ કરતાં બાકી તમામ 2017ની ચૂંટણી પહેલા જ ભાજપમાં સામેલ થયા હતાં. તેનો મતલબ એવો થાય કે આ નેતાઓ ભાજપની કેડરનાં નહોતાં. આમાંનાં મોટાભાગનાં નેતાઓ ચૂંટણી ટાણે પક્ષપલટા કરીને જ ચૂંટણી જીતતા આવ્યા છે.
યુપી ભાજપમાં ભાગમભાગ: કુલ 10 રાજીનામાં
