300 જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 5%થી વધુ

300 જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 5%થી વધુ
નવી દિલ્હી, તા.13: ઓમિક્રોન વેરિઅન્ટ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી ચેતવણી આપતા કહ્યું છે કે, જે લોકોએ કોવિડ-19 વેક્સિન નથી લીધી એ લોકો માટે આ વેરિઅન્ટ બહુ નુકસાનકારક છે. ભારતમાં નીતિ આયોગ (સ્વાસ્થ્ય)ના અધ્યક્ષ ડો વી કે પૌલે સ્વાસ્થ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને હળવાશમાં ન લેવો જોઈએ. દેશમાં કોવિડ-19 સંબંધિત સ્થિતિ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશના 300 જિલ્લાઓમાં કોવિડ-19 કેસનો પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધુ છે. તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે બંગાળમાં કોરોના સંક્રમણનો પોઝિટિવિટી રેટ સૌથી વધુ 60.29 હતો. જે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈ કરતા વધુ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોલકાતામાં સૌથી વધુ વીકલી પોઝિટિવિટી રેટ છે. સરકારી ડેટા અનુસાર, 5થી 12 જાન્યુઆરી વચ્ચે મુંબઈનો પોઝિટિવિટી રેટ 26.95 ટકા, બેંગલુરુમાં 12.29 ટકા, થાણે 31.54 ટકા, ચેન્નામાં 23.32 ટકા, પુણેમાં 23.4 ટકા અને કોલકાતામાં 60.29 ટકા છે. તો દિલ્હીમાં પોઝિટિવિટી રેટ લગભગ 23 ટકા આસપાસ હતો.
---------------
દેશની સિદ્ધિ : 10 દિવસમાં
3 કરોડ કિશોરોનું રસીકરણ
ર8 લાખ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો
નવી દિલ્હી, તા.13 : દેશમાં કોરોના સંક્રમણમાં ઝડપી વધારા વચ્ચે રસીકરણમાં પણ ઝડપ કરવામાં આવી રહી છે. વયસ્કો સાથે હવે 1પ થી 18 વર્ષના કિશોરોનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
કિશોરોનું રસીકરણ શરુ કરાયાને 10 દિવસ થઈ ચૂકયા છે અને અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ કિશોરોને વેકિસનનો પહેલો ડોઝ અપાઈ ચૂકયો છે. 3 જાન્યુઆરીથી કિશોરોનું રસીકરણ શરુ કરાયા બાદ 3 કરોડ 1પ લાખ રજિસ્ટ્રેશન થઈ ચૂકયું છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કિશોરોના રસીકરણનો આંક 3 કરોડને આંબી જતાં ટ્વિટના માધ્યમથી અભિનંદન પાઠવ્યા અને લાયક યુવાઓને વહેલી તકે વેકિસન લેવા અપીલ કરી હતી. દેશમાં 90 કરોડથી વધુ પહેલો ડોઝ અને 64 કરોડ બીજો ડોઝ અપાઈ ચૂકયો છે સાથે લગભગ ર8 લાખ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે. સૌથી વધુ રસીકરણમાં યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, એમપી અને બિહાર ટોચ-પમાં સ્થાન પામ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer