ચારધામ દેવસ્થાનમ બોર્ડનો અંતે ભંગ

ચારધામ દેવસ્થાનમ બોર્ડનો અંતે ભંગ
વડાપ્રધાનની મુલાકાત પહેલા મુખ્યમંત્રી ધામીનું એલાન
નવી દિલ્હી, તા.30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડની મુલાકાત પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં ચારધામ દેવસ્થાનમ બોર્ડ ભંગ કરવાનું એલાન કર્યુ છે. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા આ મુદ્દે ભાજપ દબાણમાં હતું કારણ કે ચૂંટણીમાં આ એક મુદ્દો બની ગયો હતો. રાજ્યમાં સત્તા ટકાવી રાખવા ભાજપે આ મુદ્દે નમતું જોખવા સિવાય છૂટકો ન હતો. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ અગાઉ જ્યારે કેદારનાથની મુલાકાતે ગયા હતા ત્યારે પુરોહિતોએ કાળા ઝંડા બતાવી નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.
બે વર્ષ પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતના શાસન વખતે દેવસ્થાનમ વ્યવસ્થાપક બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું જેને હવે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ભંગ કરવા જાહેરાત કરી છે. રાજ્યમાં આ બોર્ડનો તીર્થ પુરોહિતો દ્વારા પહેલેથી જ ખૂબ વિરોધ થઈ રહ્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મામલો ઉઠાવી રહી હતી. ભાજપે મુખ્યમંત્રી બદલ્યાનું એક કારણ આ મુદ્દો માનવામાં આવે છે. હવે આ નિર્ણય બાદ વડાપ્રધાન મોદીની 4 ડિસે.ની મુલાકાતનું મહત્ત્વ વધી ગયું છે.
મુખ્યમંત્રી ધામીએ કહ્યંy કે વિવિધ સામાજિક સંગઠનો, તીર્થ પુરોહિતો,  પંડા સમાજના લોકો અને વિવિધ જનપ્રતિનિધિઓ સાથે વાતચીત કર્યા બાદ ઉચ્ચસ્તરીય રિપોર્ટ પર વિચાર કરતાં ચારધામ દેવસ્થાનમ પ્રબંધન અધિનિયમ, ર019ને પાછો ખેંચવા નિર્ણય લેવાયો છે. આગળ જતાં જે કંઈ રાજ્યના હિતમાં હશે તે માટે સૌની સાથે વાતચીત કરીને કાર્યવાહી કરાશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer