ચીની હરકત પર નજર રાખવા લદ્દાખમાં તૈનાત ‘હેરોન ડ્રોન’

ચીની હરકત પર નજર રાખવા લદ્દાખમાં તૈનાત ‘હેરોન ડ્રોન’
ઘર્ષણ બાદ ડ્રેગન પર બાજનજર રાખવા માટે ઇઝરાયલના ડ્રોનનો ઉપયોગ
નવી દિલ્હી, તા. 30 : હવે ચીની સેના લદ્દાખ સરહદે સરહદ પાર કે સરહદની અંદર ભારતની સામે કોઇ ‘નાપાક’ હરકત કરશે તો તુરંત જાણકારી મળી જશે. ભારતની સેનાને  ઇઝરાયલે એવા ડ્રોન્સ આપ્યા છે, જેના કેમેરા, સેન્સર્સ અને રડાર ‘બાજ’નજર જેવા તેજ છે, જેનું નામ ‘હેરોન ડ્રોન્સ’ છે. ભારતની સેનાએ આ ચાર હેરોન ડ્રોનને લદ્દાખ સેક્ટરમાં તૈનાત  કરી દીધા છે. હવે તે આકાશમાંથી જ  ચીની સેનાની હરકતોનું ‘એક્સરે’ કરશે. ચીનની દરેક ગતિવિધિની જાણકારી ભારતીય સેના અને ઇન્ટેલિજન્સને મળતી રહેશે.
એપ્રિલ 2020માં ચીનની સાથે એલએસી પર થયેલા સંઘર્ષ બાદ ભારતીય સેનાએ લદ્દાખમાં સેના, હથિયારો, વિમાનો, મિસાઇલોની સંખ્યા વધારી નાખી હતી. નજર રાખવા માટે સેટેલાઇટની મદદ લેવામાં આવી રહી હતી. પરંતુ હવે ડ્રોન્સની મદદ મળ્યા પછી તપાસમાં ઘણી વધુ મદદ મળશે. આ ચારેય ડ્રોન લેહ પહોંચી ચૂક્યા છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ પદો પર રહેલા સૂત્રોએ માધ્યમોને જણાવ્યા મુજબ નવા ડ્રોન લેહ પહોંચી ચૂક્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer