ઓમિક્રોન સંક્રામક પણ ખતરનાક નથી

ઓમિક્રોન સંક્રામક પણ ખતરનાક નથી
એક પણ મૃત્યુ નથી ઈં સ્વાદ-સુગંધ જતાં નથી, ઓક્સિજન લેવલ ઘટવાનું જોખમ નથી
નવી દિલ્હી, તા.30 : ભારત સહિત અનેક દેશોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન સ્વરૂપનો ખોફ છવાયો છે. 1પ જેટલા દેશમાં ઘૂસી ચૂકેલા ઓમિક્રોનનો ભારતમાં હજુ એકપણ કેસ સામે ન આવ્યાનો સત્તાવાર દાવો કરાયો છે. દરમિયાન દ.આફ્રિકીના સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ભારતમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોને ઓમિક્રોનના હળવા લક્ષણો વિશે માહિતગાર કર્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દ.આફ્રિકી કોરોના સ્વરૂપ ઓમિક્રોન વૈશ્વિક જોખમ તરીકે ચિંતાજનક ગણાવ્યું છે પરંતુ દ.આફ્રિકી સ્વાસ્થ્ય નિષ્ણાતોની વાતથી એવું લાગે છે  ઓમિક્રોન ડેલ્ટા જેટલો ખતરનાક નથી. કોરોનાની બીજી લહેરમાં જે રીતે હોસ્પિટલો ખાતે દર્દીઓની લાઈનો લાગી હતી અને ઓક્સિજનના બાટલાં માટે રઝળપાટ થઈ હતી તેવી કોઈ સ્થિતિ દ.આફ્રિકામાં હજારો લોકો આ વેરિયન્ટની સંક્રમિત થયા હોવા છતાં ઉદ્ભવી નથી.
દ.આફ્રિકાના સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર કોરોના ઓમિક્રોન અત્યંત સંક્રામક છે તેનાથી દર્દીને ખૂબ જ થાક લાગે છે. જો કે દર્દીને હોસ્પિટલમાં ખસેડવો પડે તેવી સંભાવના ઓછી રહે છે. સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડયા હોય તેવા દર્દીઓનું પ્રમાણ ઓછું છે. સાથે એક મહત્ત્વનો ખુલાસો એવો કરાયો છે કે દ.આફ્રિકામાં ઓમિક્રોનથી હજુ સુધી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. વાયરસના નવા સ્વરૂપની મુખ્ય ચિંતા તે વધુ સંક્રામક હોવાની છે. દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળે છે, નબળાઈ અને થાક વધુ લાગતો હોવાનું મહદ અંશે જોવા મળ્યું છે. ગળામાં થોડી તકલીફ રહે છે. દ.આફ્રિકામાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કર્યા બાદ નિષ્ણાતોએ જાણ્યું કે આ વેરિયેન્ટથી દર્દીને સ્વાદ તથા સુગંધ જતી રહેવાની સમસ્યા જોવા મળી નથી તથા ડેલ્ટા વેરિયેન્ટની જેમ દર્દીનું ઓક્સિજનનું લેવલ ઘટતું નથી.  ઓમિક્રોનની વધુ અસરોનો વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે અને જો કોઈ અનહોની બાબત સામે આવશે તો વ્યાપક હિતમાં જાહેર કરાશે તેમ દ.આફ્રિકી સ્વાસ્થ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer