સુરતના રાંદેરમાં ત્રણ વર્ષના પુત્રની હત્યા કરીને જનેતાએ આત્મહત્યા કરી

મારા દિલનો ટુકડો, મારી જાન મારો રીશુ તેવી રડતા રડતા સ્યુસાઇડ નોટ લખી: પતિના અફેરના કારણે ત્રણ વર્ષથી પુત્ર સાથે પિયર રહેતી’તી
(ફૂલછાબ ન્યુઝ)
સુરત, તા. 30: અહીંના રાંદેર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના બની હતી. રડતા રડતાં ત્રણ વર્ષના માસુમ પુત્રનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ કઠણ હૃદયની જનેતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પતિના અફેરના કારણે આ બનાવ બન્યો હતો.
રાંદેરના ઉગત રોડ પર પિન્કીબહેન નામની યુવતી તેના ત્રણ વર્ષના માસુમ પુત્ર રીશુ સાથે પિતા અરવિંદભાઇ સાથે રહેતી હતી. ગઇરાતના માતા-પુત્ર સૂતા હતાં. સવારે બન્ને ઉઠયા ન હતાં. આથી પિતા અરવિંદભાઇએ તેની પત્નીને એ બન્ને ઉઠાડવા માટે મોકલી હતી. પત્નીએ રૂમનો દરવાજો ખોલીને જોતા પુત્રી પિન્કી અને દોહિત્ર મૃત હાલતમાં પડયા હોવાનું નજરે પડયું હતું. આથી પતિને જાણ કરવામાં આવી હતી. એ પછી 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108ના ઇએનટીએ માતા-પુત્રને મૃતજાહેર કર્યા હતાં. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં એવો ઉલ્લેખ હતો કે, તે તેના પતિ સતિષના અફેર અંગે જાણતી હતી. તેના કારણે પતિ સાથે ઝઘડો થતો હતો. પતિને સાસુ સપોર્ટ કરતી હતી. સ્યુસાઇડ નોટમાં હૃદયદ્રાવક લખાણ હતું. મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારા ઢીંગલા આઇ લવ યુ શો રીશુ, એ જીવે તો તેની જિંદગી બરબાદ થઇ જશે, મારા હાથ ખૂબ જ ધ્રુજતા હતાં. મારા ઢીંગલાને મારી હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો મારી જાન મારો રીશુ, દીકરા આવી રીતે તને મારવો પડે છે. પોલીસની તપાસમાં મૃતકના પિન્કીબહેનના સતિષ સાથે લગ્ન કરવામાં આવ્યા હતાં. સતિષને અફેર હોવાથી છેલ્લા સાડા ત્રણ વર્ષથી તે અલગ પિતા સાથે રહેતી હતી. મૃતકના પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેના જમાઇને તેની ભાભી સાથે અફેર છે જમાઇ તેના ફોનમાં જે ફોટા હતા તે મારી દીકરીને જોવા દેતો ન હતો અને શારીરિક, માનસિક ત્રાસ આપતો હતો. તેના કારણે પુત્રીએ આ પગલું ભર્યું હતું. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે લઇને વધુ તપાસ હાથ ધરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer