કાનપુરમાં જામનગરના બે યુવાનનું અપહરણ કરીને ખંડણી મગાઇ: બન્નેને હેમખેમ છોડાવાયાં

નાણાકિય વ્યવહારમાં અપહરણકારોએ બન્ને યુવાનને ગોંધી રાખીને માર માર્યો’તો
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા. 30: ઉત્તરપ્રદેશ ફરવા ગયેલા જામનગરના વિરલ હાડા અને જતીન પઢિયાર નામના બે યુવાનના અપહરણ કરીને ખંડણી માગવામાં આવી હતી.પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને બન્ને યુવાનને હેમખેમ છોડાવ્યા હતાં અને આરોપીઓને ઝડપી લીધા હતાં.
અહીંના પોશ વિસ્તારમાં રહેતાં વિરલ હાડા અને જતીન પઢિયાર નામના બે યુવાન ગત સપ્તાહમાં ઉત્તરપ્રદેશ ફરવા ગયા હતાં. વિરલનો ફોનથી સંપર્ક નહી થઇ શકતા તેમના પત્ની સહિતના પરિવાજનો ચિંતામાં મૂકાયા હતાં. દરમિયાન તેમના પર મોટી રકમની ખંડણી માગતો ફોન આવ્યો હતો. ફોન કરનારે બન્નેના અપહરણ કર્યા છે અને તેને હેમખેમ પરત જોઇતા હોય તો પૈસા આપવા પડશે તેવી વાત કરી હતી.આ ખંડણીના ફોનથી ગભરાઇ ગયેલી વિરલની પત્નીએ પરિવારજનો સાથે વાત કરીને પોલીસની મદદ લેવાનું નક્કી કર્યુ હતું. બે દિવસ પહેલા તે બી ડિવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કે.એલ. ગાધેને મળીને તેમના પતિ વિરલ હાડા અને તેના મિત્ર જતીન પઢિયારના ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી અપહરણ થયાની અને અપહરણકારોએ ખંડણી માગ્યાની વાત કરી હતી.આ વાત સાંભળીને પીઆઇ ગાધેએ એસપી દીપેન ભદ્રન અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયને જાણ કરીને તેની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાનપુર પોલીસની મદદ લઇને ઓપરેશન હાથ ધર્યુ હતું.સાયબર ક્રાઇમ પોલીસ મથકનો ટેકનીકલ સપોર્ટ મેળવીને સબ ઇન્સ. વાય.બી.રાણા અને તેના સ્ટાફના મુકેશસિંહ રાણા, એસ.એમ.જાડેજા સહિતની ટીમે કાનપુર પહોંચી હતી. કાનપુર અને જામનગર પોલીસે અપહૃતના સબંધીઓ હોવાની ઓળખ આપીને અપહૃત સુધી પહોંચી હતી અને બન્ને અપહૃતને હેમખેમ છોડાવીને અપહરણકારોને ઝડપી લીધા હતાં.  એવી પણ ચર્ચા ઉઠી છે કે આ બન્ને યુવાન કોઇ મોટી રકમના નાણાકિય વ્યવહાર માટે કાનપુર ગયા હતાં. ત્યાં ડખ્ખો થતાં બન્નેના અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઇ જઇને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેના પરિવાર પાસે મોટી રકમની ખંડણી માગવામાં આવી હતી.આ બનાવમાં સાચી વિગતો શું છે તે આવતીકાલે પોલીસ જાહેર કરશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer