ખેડૂત પાસે 18 લાખ પડાવી લીધા બાદ વધુ 20 લાખ માગ્યા

વંથલીના નાંદરખી ગામે માથાભારે શખસનો ત્રાસ
કોઇપણ જમીન વેચે મારૂ કમિશન લાગે તેમ કહીને ખેડૂતના પિતાનું અપહરણ કરીને દસ્તાવેજ અને કોરા ચેક સાથે થેલી પડાવી લીધી
(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ, તા. 30: જૂનાગઢ જિલ્લાના વંથલીના નાંદરખી ગામે માથાભારે શખસનો ત્રાસ હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. નંદરખી ગામના વતની અને જૂનાગઢમાં રહેતાં  ખેડૂત પાસેથી રૂ. 18 લાખ પડાવી લઇને માથાભારે પિતા-પુત્રે ખેડૂત પાસે વધુ રૂ. 20 લાખની માગણી કરી હતી. ગામમાં કોઇપણ જમીન વેચે તો મારૂ કમિશન લાગે તેમ કહીને નાણા પડાવાયા હતાં.
અહીંના ઝાંઝરડા રોડ પર રહેતાં મૂળ નાંદરખી ગામના વિશાલભાઇ ગોકળભાઇ મારવાણિયાએ તેના ગામમાં આવેલી તેની ખેતીની જમીનવેચી હતી.તેની જાણ તેના ગામના  માથાભારે શખસ હિરા પરબતભાઇ ભારાઇને થતાં તે વિશાલભાઇને મળ્યો હતો અને તે જમીન વેચી તેમાં મારૂ રૂ. 20 લાખ કમિશન થાય છે.આ નાણા ન આપે તો જિંદગીથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી હતી. બાદમાં  તેના પુત્ર રામાએ ખેડૂત વિશાલભાઇને ધમકી આપી હતી. આ રીતે ધાકધમકી આપીને પિતા-પુત્રે ખેડૂત વિશાલભાઇ પાસેથી રૂ. 17.70 લાખ પડાવી લીધા હતાં.બાદમાં વધારાના રૂ. 20 લાખ આપવાની માગણી કરી હતી.  આ પૈસા આપવાની ના પાડતાં માથાભારે શખસ હિરા ભારાઇએ જૂનાગઢના ભુપત બાવન કટારાને હવાલો આપ્યો હતો. ભુપત કટારા તથા અન્ય બે શખસો નાંદરખી ગામની સીમમાં પહોંચીને ખેડૂતનાપિતા ગોકળભાઇ મારવાણિયાનું કારમાં અપહરણ કરી ગયા હતાં અને ગોકળભાઇને અવાવરૂ જગ્યાએ લઇ જઇને ખેતરના દસ્તાવેજ અને કોરા ચેકસ રાખેલ થેલી આંચકી લીધી હતી.એ પછી તેને રસ્તામાં ઉતારીને નાસી ગયા હતાં.તેઓએ  ઘેર પહોંચીને પરિવારને જાણ કરી હતી.તેના કારણે પરિવારજનો ભયભીત થઇ ગયા હતાં અને અંતે વિશાલભાઇ મારવાણિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે હિરા પરબત ભારાઇ, રામા હિરા, જૂનાગઢના ભુપત બાવન કટારા સહિત પાંચ સામે ગુનો નોંધ્યો હતો. આ અંગે પીએસઆઇ એ.પી. ડોડિયા અને તેની ટીમે તપાસ હાથ ધરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer