મગફળી ટેકાના ભાવે વેચવામાં ખેડૂતોનો નિરૂત્સાહ

મગફળી ટેકાના ભાવે વેચવામાં ખેડૂતોનો નિરૂત્સાહ
ફક્ત 24 હજાર ટનની ખરીદી, યાર્ડમાં ઉંચા ભાવ મળતા ખેડૂતો આવતા નથી
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ,રાજકોટ, તા. 30 : ખેડૂતોને ખૂલ્લા બજારમાં જ સંતોષકારક ભાવ મળી રહ્યા હોવાથી સરકારી ખરીદીમાં આ વર્ષે ભારે નિરૂત્સાહનું વાતાવરણ બની ગયું છે. મગફળીની ખરીદી ખરીફ સીઝનમાં મુખ્ય હોય છે પણ દિવાળી બાદ શરૂ થયેલી પ્રાપ્તિમાં સરકારને ફક્ત 24,651 ટન જેટલો જથ્થો મળ્યો છે. મગમાં અત્યાર સુધીમાં ફક્ત 15 ક્વિન્ટલની જ ખરીદી કરવામાં આવી છે.
મગફળીની ખરીદી માટે હાલમાં કુલ 155 કેન્દ્રોમાંથી 119 કેન્દ્ર સક્રિય છે જેમાં ક્વિન્ટલદીઠ રૂ. 5,550ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. સરકારે ખરીદી કરેલ 24,651 ટન  મગફળી સામે રૂ. 13,681 લાખની ચૂકવણી કરવામાં આવનાર છે. 
સૌરાષ્ટ્રભરમાં મગફળીની આવક રોજીંદી દોઢેક લાખ ગુણીની થઇ રહી છે. ટેકા કરતા ઉંચા ભાવ માર્કેટ યાર્ડમાં પ્રાપ્ત થાય છે એટલે ખેડૂતોનો ઝૂકાવ યાર્ડ તરફે રહ્યો છે. યાર્ડમાં સરેરાશ રૂ. 1100-1200ના ભાવથી સારી મગફળી વેચાય રહી છે. એ જોતા મગફળીમાં મંદી આવે તો જ ખેડૂતો ટેકાના ભાવથી વેચવા માટે જશે.
જ્યારે 18 જિલ્લાઓમાં કુલ 114 ખેડૂતોએ મગ વેચવા માટે નોંધણી કરાવી હતી જેમાંથી આજ સુધીમાં ફક્ત 15 ક્વિન્ટલ મગની જ ખરીદી કરવામાં આવી છે. મગની ક્વિન્ટલદીઠ રૂ. 7,275ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ ડાંગરની ક્વિન્ટલદીઠ રૂ. 1940ના ભાવે 98 ખરીદી કેન્દ્રો પરથી ડાંગર કોમનની 2,16,247 ક્વિન્ટલ તેમજ ડાંગર એ ગ્રેડની 1,783 ક્વિન્ટલની ખરીદી કરવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મગફળીના કુલ 13,180 ખેડૂતો, મગના ફક્ત 3 અને ડાંગરના કોમના 5,122 ખેડૂતો અને ડાંગર ગ્રેડ એના ફક્ત 27 ખેડૂતોએ જ માલ વેચ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer