રાજયના અમુક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી

રાજયના અમુક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી
આગામી બે દિવસ માવઠાના માઠા સમાચાર: NDRFને 1-1 ટીમ વલસાડ અને અમરેલી તૈનાત, 6 ટીમ સ્ટેન્ડબાય રખાઇ
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 30: અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના ભરશિયાળે માવઠુ થવાની શક્યતા છે. આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના કારણે એનડીઆરએફની 6 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો એનડીઆરએફની એક ટીમને વલસાડ અને 1 ટીમને અમરેલી મોકલવામાં આવી છે. 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા.01 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેમજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી અને કચ્છ જિલ્લામાં ઓછો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે તા.2 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,  મહિસાગર, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તથા છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી નવસારી, વલસાડ જિલ્લાઓમાં ઓછો- મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તિએ જણાવ્યું છે જે  અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થશે. સાથે જ 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો વરસાદની આગાહીને લઈ ખેડૂતોને કૃષિ પાક સલામત જગ્યા પર રાખવા સૂચના આપવામાં આવી છે તો માર્કેટ યાર્ડમાં પણ અનાજને ઢાંકી દેવા સૂચના આપવામાં આવી છે.
દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ હાલમા ખેતરમાં કપાસ, રાઇ, વરિયાળી, શાકભાજી, દિવેલા જેવા ઉભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમા જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. વધુ પ્રમાણમા કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ભાગોમાં જીરું, રાઇ તથા ચણા જેવા ઉભા પાકોમાં કે નવુ વાવેતર કરેલ રવિ પાકોના ચાસમા પાણી ભરાયું હોય તો તુરંત તેનો નિકાલ કરવો. એપીએમસીમા વેપારી મિત્રો તેમજ ખેડુતોએ કાળજી રાખવી અને આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એપીએમસીમા અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકીને રાખવા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer