સંસદમાં વિપક્ષોનો વોકઆઉટ

સંસદમાં વિપક્ષોનો વોકઆઉટ
આજથી સંસદમાં કામકાજ વ્યવસ્થિત થવાની શક્યતા
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા.30 : એવુ લાગી રહ્યું છે કે બુધવારથી સંસદનું કામકાજ ચાલશે. વિરોધ પક્ષો, કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ ચોમાસુ અધિવેશનમાં કરેલી ભૂલોને કારણે નુકસાન થઈ શકે છે એવું અનુભવી રહ્યા છે. સંસદના કામકાજને અટકાવવાથી તેમના પર જ દોષારોપણ કરહાશે અને આવતા વરસે યોજાનારી મહત્ત્વપૂર્ણ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિભિન્ન મુદ્દાઓ પર સરકાર પર હુમલો કરવાનો મોકો ગુમાવશે. જેમ કે છેલ્લા ચોમાસુ અધિવેશનમાં કૉંગ્રેસ અને ટીએમસીએ પેગાસસ મુદ્દે  ભારે વિરોધ કર્યો હતો. આમ છતાં સરકારે ધાંધલધમાલ વચ્ચે પણ બિલો પસાર કર્યા હતા અને વિરોધ પક્ષોને સંસદની કાર્યવાહી ખોરવવા માટે દોષી ગણાવ્યા. ઉપરાંત વિરોધ પક્ષોએ સરકારને ઘેરવાનો અવસર પણ ગુમાવ્યો. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા સોમવારે સવારે બોલાવાયેલી વિરોધ પક્ષોની બેઠકમાં અનેક સભ્યોએ કાર્યવાહી ચાલવા દેવાની અને ધાંધલધમાલ ન કરવાની વાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે સંસદમાં મુદ્દા ઉઠાવવા મહત્ત્વપૂર્ણ હતા, પરંતુ છેલ્લું અધિવેશન વિરોધ પ્રદર્શનમાં વેડફાઈ ગયું.
બીજી બાજું મમતાની ટીએમસીએ પણ અનુભવ્યુ ંકે જો તેઓ સરકાર પર હુમલો કરવામાં કૉંગ્રેસ કે અન્ય વિરોધ પક્ષોમાં સામેલ નહીં થાય તો એકલા અટૂલા પડી જશે. જોકે કૉંગ્રેસના રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિરોધ પક્ષોના નેતાઓને મળ્યા પણ ટીએમસીએ પોતાને એમાંથી અળગી રાખી હતી. ઉપરાંત સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવાથી તેઓ કેન્દ્રમાં રહી શકે છે, કારણ કૉંગ્રેસ ઉગ્રતાપૂર્વક વિરોધ કરી દર્શાવી રહી છે જેથી એવું દર્શાવી શકાય કે તેઓ સરકારનો વિરોધ કરવામાં અગ્રેસર છે.
જોકે વિરોધ પક્ષોના વૉકઆઉટ અને અવરોધ વચ્ચે સંસદની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ કૉંગ્રેસના નેતૃત્ત્વ હેઠળ કરાયેલા વૉક આઉટમાં ટીએમસી સામેલ થઈ ન હોવાથી એ સ્પષ્ટ છે કે બંને પક્ષો અલગ રાહ પર ચાલી રહ્યા છે. રાજ્યસભામાં ખડગેના નેતૃત્ત્વમાં વિરોધ પક્ષોએ વૉકઆઉટ કર્યું ત્યારે ટીએમસીના સભ્યો સંસદમાં બેઠા રહ્યા.
માફી બાદ જ સસ્પેન્શન પરત ખેંચાશે : સભાપતિ
લંચ બ્રેક બાદ રાજ્યસભાના અધ્યક્ષ વેન્કૈયા નાયડુએ બાર સભ્યોના સસ્પેન્શન પરના તેમના આદેશને દોહરાવ્યો ત્યારે ટીએમસીના સભ્યો વૉકઆઉટ કરી ગયા હતા.
કૉંગ્રેસના નેતૃત્ત્વ હેઠળ વિરોધ પક્ષોના આઠ નેતાઓએ રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુને મળ્યા હતા અને તેમને સસ્પેન્શન રદ કરવા વિનંતી કરી હતી. સૂત્રના જણાવ્યા મુજબ નાયડુએ તેમને કહ્યું કે સંસદમાં યોગ્ય વ્યવહાર વિના કામકાજ થઈ શકે નહીં અને તેમનો દુર્વ્યવહાર ગંભીર બાબત છે. જો તેઓ માફી માગે તો સસ્પેન્શન પાછું ખેચવા અંગે વિચારી શકાય. સસ્પેન્શન પાછું ખેંચવાની માગણી ન સ્વીકારાતા નારાજ થયેલા વિરોધ પક્ષના સભ્યોએ દિવસભરની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.
ગાંધી પ્રતિમા સામે આજથી વિપક્ષના ધરણા
તૃણમૂલ કૉંગ્રેસના બે સભ્યોના સસ્પેન્શન અંગે ડેરેક ઓ’બ્રાયને વિરોધ દર્શાવતા કહ્યું કે પક્ષ બુધવારથી તેમનો વિરોધ દર્શાવશે એમ ટ્વીટર પર જણાવ્યું હતું. ઓ’બ્રાયને ટ્વીટમાં જણાવ્યું કે, કાલે પહેલી ડિસેમ્બરથી સોમવારથી શુક્રવાર સવારે 10થી સાંજે છ વાગ્યા સુધી રાજ્યસભાના બાર સાંસદો મહાત્મા ગાંધીની સંસદ ભવનમાં આવેલી પ્રતિમા સામે ધરણા પર બેસશે.
-----------
રાજયસભાના બહિષ્કારની વિપક્ષોની ચીમકી
નવી દિલ્હી, તા.30 : રાજયસભામાં વિપક્ષોના 1ર સાંસદોના સસ્પેન્સનનો વિરોધ કરતાં કોંગ્રેસે વિપક્ષી દળોને એકજૂથ કરવા મંગળવારે યોજેલી બેઠકમાં 11 વિપક્ષી દળોના નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે જો સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે તો વિપક્ષી દળો રાજયસભાનો બહિષ્કાર કરશે તથા રાજયસભાના સભાપતિ- ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને રજૂઆત કરવા જશે. કોંગ્રેસ આયોજિત આ બેઠકમાં ડીએમકે, શિવસેના, એનસીપી, સીપીએમ, સીપીઆઈ, આરજેડી, આઈયૂએમએલ, એલજેડી, નેશનલ કોન્ફરન્સ, આરએસપી, ટીઆરએસ, કેરળ કોંગ્રેસ, વીસીકે અને આમ આદમી પાર્ટી જોડાઈ હતી. તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસની આ બેઠકમાં સામેલ થવા ઈનકાર કર્યો હતો.

© 2022 Saurashtra Trust