કિસાનો માટે વધુ 531 કરોડનું રાહત પેકેજ

કિસાનો માટે વધુ 531 કરોડનું રાહત પેકેજ
બોટાદ, અમરેલી, ભાવનગર,  જૂનાગઢનો પણ સમાવેશ
બાકી રહેલા 9 જિલ્લા માટે જાહેરાત; હેક્ટર દીઠ રૂ. 6800 મળશે; 6 ડિસેમ્બરથી અરજી થઈ શકશે
અમદાવાદ, તા. 30: અતિવૃષ્ટિનાં કારણે પાક નુકસાની સામે ગુજરાત સરકારે બાકી રહેલા 9 જિલ્લા માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદનાં કારણે ખેડૂતોને જે નુકસાની થયેલ છે તેના માટે 9 જિલ્લાના 36 તાલુકા 1530 ગામના 5 લાખ ખેડૂતોને 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનનું વળતર અપાશે. 
અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. હાલમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે પૂર્ણ થયા બાદ હવે સહાય પેકેજ આપવાની કામગીરી શરૂ કરાશે. હેક્ટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે. તમામ અસરગ્રસ્ત ખેડૂતને એસડીઆરએફના નિયમ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તે મળશે. 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઓનલાઇન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે. બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
અહીં નોંધવું ઘટે કે, અગાઉ ગુજરાત સરકારે અતિવૃષ્ટિથી થયેલાં નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાનાં 320 ગામ, રાજકોટ જિલ્લાનાં 156 ગામ, જૂનાગઢ જિલ્લાનાં 135 ગામ અને પોરબંદર જિલ્લાનાં 71 ગામ મળી કુલ  682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોનાં ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત અગાઉ પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેનાં જાહેર કરેલાં રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. આ ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પણ પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. 
 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer