ગુજરાતના 8 શહેરમાં રાત્રી કફર્યૂમાં 1 કલાકની રાહત

ગુજરાતના 8 શહેરમાં રાત્રી કફર્યૂમાં 1 કલાકની રાહત
આજથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 સુધી રાત્રી કફર્યૂ અમલમાં રહેશે : રેસ્ટોરન્ટને રાત્રે 12 સુધી ખુલ્લા રાખવાની મંજૂરી
અમદાવાદ, તા.30: ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતો હોવા છતાં સંક્રમણ કાબૂમાં હોવાને કારણે રાજ્ય સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે આજે નવી એસઓપી બહાર પાડીને રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કફર્યૂમાં 1 કલાક ઘટાડયો છે. હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કફર્યૂ યથાવત રહેશે. જયારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 1લી ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
મહત્વનું છે કે, રાજ્યના 8 મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિના 12 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કફર્યૂ અમલમાં છે ત્યાં હવે આવતીકાલથી 10 ડિસેમ્બર સુધી રાત્રિના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કફર્યૂ અમલમાં રહેશે. આ રાત્રી કફર્યૂમાંથી બસ ટ્રાન્સપોર્ટ સેવાને મુકિત આપવાનો નિર્ણય કરાયો છે. અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યકિતની છૂટછાટ આપવામાં આવી હતી. જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યકિતએ કોરોના વેકિસનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યકિતની મર્યાદા યથાવત રહેશે.
આ સાથે રાજ્યમાં સિનેમાગૃહ 100 ટકા બેઠક ક્ષમતા, જયારે જીમ 75 ટકા ક્ષમતા, વોટરપાર્ક અને સ્વીમીંગપુલ 75 ટકા  ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer