અર્થતંત્રની ગાડી પાટે ચડી: GDP 8.4%

અર્થતંત્રની ગાડી પાટે ચડી: GDP 8.4%
બીજા ત્રિમાસિક ગાળાના ઉત્સાહવર્ધક આંકડા જાહેર ઈં નાણાકીય ખાધ આખાં વર્ષની તુલનામાં 5.47 લાખ કરોડ
નવી દિલ્હી, તા. 30 : કેન્દ્રની મોદી સરકાર માટે કોરોનાસંકટ વચ્ચે સતત બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીના મોરચે સારા સમાચાર આવ્યા છે. એનએસઓએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી પરિણામ જાહેર કર્યાં છે. બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસ દર 8.4 ટકા રહ્યો છે. ગયા વર્ષે સમાન ગાળામાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આ પહેલાં પ્રથમ ત્રિમાસિક ગાળા (ક્યૂ-1)માં સકલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)નો વિકાસ દર વિક્રમી 20.1 ટકા રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જીડીપી એ કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ માપવાનો નક્કર માપદંડ છે. જીડીપીમાં ઝડપી વધારાથી અર્થવ્યવસ્થાની ગાડી ફરી પાટે ચડવાના સંકેત મળી રહ્યા છે.
નાણાકીય ખાધ આખા વર્ષની તુલનાએ એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે 36.3 ટકા અથવા 5.47 લાખ કરોડ રૂપિયા રહી હતી. કુલ ખર્ચ 18.27 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.  ગયા વર્ષે તે 119.7 ટકા રહ્યો હતો. આ જ સમયમાં સરકારની આવક 12.6 લાખ કરોડ રૂપિયા હતી. બજેટ અનુમાનની તુલનામાં તે 70.5 ટકા હતો. ગયા વર્ષે આ જ સમયમાં તે 34.2 ટકા હતો. ટેકસથી થયેલી કમાણી 10.53 લાખ કરોડ રૂપિયા રહી હતી.
નોંધનીય છે કે કોરોનાસંકટને કારણે ભારતની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડયો હતો. નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 23.9 ટકાનો જબ્બર ઘટાડો નોંધાયો હતો. આ પછી બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો જોવાયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળામાં 0.4 ટકા જીડીપી રહ્યા બાદ ચોથા ગાળા (જાન્યુઆરી-માર્ચ)માં જીડીપી દર 1.6 ટકા રહ્યો હતો. આ રીતે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી વિકાસ દર માઈનસ 7.3 ટકા રહ્યો હતો.
તમામ એજન્સીઓએ બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસ 7થી 9 ટકા રહેવાનો અંદાજ બાંધ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 7.9 ટકાના દરે વિકાસ પામે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું. ઈન્ડિયા રેટિંગ્સએ આ ગાળામાં જીડીપી 8.3 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. એજન્સી અનુસાર સંપૂર્ણ નાણાકીય વર્ષ દરમ્યાન જીડીપીમાં 9.4 ટકાનો વધારો થઈ શકે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer