જૂ. હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ભારતની આજે યુરોપની મજબૂત ટીમ બેલ્જિયમ સામે ટક્કર

જૂ. હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ભારતની આજે યુરોપની મજબૂત ટીમ બેલ્જિયમ સામે ટક્કર
ભુવનેશ્વર, તા.30: બે ધમાકેદાર જીતથી ફોર્મમાં વાપસી કરી ચૂકેલી ગત ચેમ્પિયન ભારતીય ટીમ એફઆઇએચ જૂનિયર હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં બુધવારે યુરોપીય સ્ટાર ટીમ બેલ્જિયમ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે ભારતીય હોકી ટીમની આશા શાનદાર ફોર્મમાં ચાલી રહેલા તેના ડ્રેગ ફ્લિક વિશેષજ્ઞ ખેલાડીઓ પર ટકેલી રહેશે. ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમને પહેલા મેચમાં ફ્રાંસ સામે 4-પથી આંચકારૂપ હાર મળી હતી. આ પછી વાપસી કરીને ભારતીય ટીમે કેનેડા સામે 13-1 અને પોલેન્ડ વિરુદ્ધ 8-2થી જોરદાર જીત મેળવીને પૂલ-બીમાં બીજા સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્રીજીવાર ચેમ્પિયન બનવા માટે ભારતીય યુવા હોકી ટીમ હવે દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. આ મેચ બુધવારે સવારે 10-30થી શરૂ થશે.
2016ના જૂનિયર હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે લખનઉમાં બેલ્જિયમ સામે 2-1થી જીત મેળવી હતી. જો કે એ મેચ અતિતનો હિસ્સો બની ચૂકી છે. બેલ્જિયમની ટીમ એ પછી પાંચ વર્ષમાં ઘણી મજબૂત બની છે. આ વખતનો મુકાબલો બરાબરીનો છે. જે ટીમ મોકાનો લાભ લેશે તે સેમિ ફાઇનલમાં પહોંચશે.
ભારત પાસે ઉત્તમસિંઘ, અરાજીતસિંઘ હુંડલ, સુદીપ ચિરમાકો અને મનિન્દરસિંઘ જેવા સારા સ્ટ્રાઇકર છે. ઉપસુકાની સંજયકુમાર શદાનંદ તિવારી અને અભિષેક લાકડા સારા ફોર્મમાં છે. મીડ ફિલ્ડમાં અનુભવી વિવેક સાગર પ્રસાદ છે. જે ટોકયો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતની સિનિયર ટીમનો હિસ્સો હતો. તે ટીમનો કપ્તાન પણ છે. તે કહે છે કે ટીમ બેલ્જિયમ સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર છે.
બીજી તરફ બેલ્જિયમની યુવા ટીમે હજુ સુધી જુનિયર વિશ્વ કપ જીત્યો નથી. તેના પર દેશની સિનિયર ટીમ જેવી સફળતા મેળવવાનું દબાણ રહેશે. બેલ્જિયમની સિનિયર ટીમ વર્લ્ડ અને ઓલિમ્પિક ચેમ્પિયન છે. આવતીકાલના અન્ય ક્વાર્ટર ફાઇનલમાં જર્મની સામે સ્પેન, નેધરલેન્ડસ સામે આર્જેન્ટિના અને ફ્રાંસ વિ. મલેશિયાની ટક્કર થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer