સિંધુ સેમિની બાધા તોડવાના લક્ષ્ય સાથે BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ઉતરશે

સિંધુ સેમિની બાધા તોડવાના લક્ષ્ય સાથે BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ઉતરશે
યુવા લક્ષ્ય સેન અને સાત્વિક-ચિરાગની જોડીના દેખાવ પર પણ નજર રહેશે
બાલી, તા.30: સતત સેમિ ફાઇનલમાં હાર સહન કરી રહેલી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ બુધવારથી અહીં શરૂ થઇ રહેલી બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં આ સિલસિલાને તોડીને ખિતાબ જીતવા માંગશે. જ્યારે યુવા ખેલાડી લક્ષ્ય સેન અને સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીના દેખાવ પર પણ નજર રહેશે. વર્ષની આખરી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારતના સાત ખેલાડી કવોલીફાઇ થયા છે. મિકસ ડબલ્સ સિવાયના તમામ વર્ગમાં ભારત પડકાર રજૂ કરશે. અશ્વિની પોનપ્પા અને એન. સિકકી રેડ્ડી મહિલા વર્ગમાં રમશે.
અત્યાર સુધી આ ખિતાબ જીતનારી એકમાત્ર ભારતીય ખેલાડી પીવી સિંધુ ગયા વર્ષે ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે તે પહેલા રાઉન્ડમાં થાઇલેન્ડની ખેલાડી પોર્નપાવી ચોચુવોંગ સામે ટકરાશે. પીવી સિંધુ પાછલી ત્રણ ટૂર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પહોંચીને હારી છે. આ વખતે સિંધુ ગ્રુપ એમાં છે અને ટોચ પર રહીને નોકઆઉટમાં પહોંચશે તેવી આશા રાખવામાં આવે છે.
જ્યારે પહેલીવાર બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ રમનાર લક્ષ્ય સેન અને સાત્વિક-ચિરાગની જોડી ગ્રુપ ઓફ ડેથમાં છે. લક્ષ્યનો પહેલા મેચમાં મુકાબલો ડેનમાર્કના ઓલિમ્પિક ચેમ્પિયન વિકટર અકસેલસેન સામે થશે. તેના ગ્રુપમાં વર્લ્ડ ચેમ્પિયન જાપાનનો ખેલાડી કેંતો મામેતો પણ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer