ધોની, રોહિત, વિરાટ, રવીન્દ્ર, બુમરાહ IPLના રીટેન ખેલાડી

ધોની, રોહિત, વિરાટ, રવીન્દ્ર, બુમરાહ IPLના રીટેન ખેલાડી
ઋતુરાજ ગાયકવાડ, વૈંકટેશ અય્યર અને અર્શદિપ જેવા યુવા ખેલાડીઓને તેમની ફ્રેંચાઇઝીએ જાળવી રાખ્યા: હાર્દિક, ઇશાન, ધવન, રબાડા, રાશિદ જેવા બીજા અનેક સ્ટાર ખેલાડીઓ રીટેન થયા નહીં
નવી દિલ્હી, તા.30: આઇપીએલ-2022ની સિઝન પૂર્વે તમામ જૂની આઠ ફ્રેંચાઇઝીએ તેના રીટને ખેલાડીઓની સૂચિ જાહેર કરી દીધી છે. આજે રીટેન ખેલાડી જાહેર કરવાની આખરી તિથિ હતી. જે અનુસાર વર્તમાન ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સે કપ્તાન મહેન્દ્રસિંહ ધોની, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, યુવા ઋતુરાજ ગાયકવાડ અને વિદેશી ખેલાડી તરીકે મોઇન અલીને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આથી એ નિશ્ચિત બન્યું છે કે ધોની આઇપીએલની આગામી સિઝનમાં પણ રમતો જોવા મળશે. નવી બે ટીમ અમદાવાદ અને લખનાઉને 2પ ડિસેમ્બર સુધીમાં ત્રણ ખેલાડીને પસંદ કરવાની તક મળશે. આ પછી જાન્યુઆરીમાં આઇપીએલનું મેગા ઓકશન થશે. રિપોર્ટ અનુસાર લખનઉ ફ્રેંચાઇઝીએ કેએલ રાહુલને 20 કરોડના કરારની ઓફર કરી છે.
જયારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, મોહમ્મદ સિરાઝ અને ગ્લેન મેકસવેલને જાળવી રાખ્યા છે. કોલકતા નાઇટ રાઇડર્સે આંદ્રે રસેલ, સુનિલ નારાયણ, વૈંકટેશ અય્યર અને વરૂણ ચક્રવર્તીને રીટેન કરવાનો નિર્ણય લીધાના પ્રાથમિક રિપોર્ટ છે. જયારે પાંચ વખતની વિજેતા મુંબઇ ઇન્યિન્સે કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને વિદેશી ખેલાડી તરીકે અનુભવી કિરોન પોલાર્ડ પર પસંદગી ઉતારી છે. મુંબઇ ઇન્ડિયન્સે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને યુવા ઇશાન કિશનને રીટેન નહીં કરવાનો આકરો નિર્ણય લીધો છે.
એવું પણ સામે આવ્યું છે કે સનરાઇઝર્સ હૈદરાબાદે ફકત કેન વિલિયમ્સનને જ રીટેન કર્યોં છે. આ ટીમે બે અનુભવી ખેલાડી ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાનનો લાંબો સાથ છોડયો છે. ડેવિડ વોર્નરે પહેલા જ સનરાઇઝર્સની ટીમને બાય બાય કરી દીધું હતું. આજે ઇંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ પણ આ ટીમનો સાથ છૂટયાની જાહેરાત ટિવટર પર કરી હતી.
પંજાબ કિંગ્સે પહેલા એક પણ ખેલાડીને રીટેન ન કરવાની યોજના બનાવી હતી. પણ હવે તેણે ઓપનર મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી અને યુવા અર્શદિપ સિંઘને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસન અને જોસ બટલરને જાળવી રાખ્યા છે.
દિલ્હી કેપિટલ્સની ટીમે પહેલા જ ચાર રીટેન ખેલાડી તરીકે ઋષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિક નોત્ઝેના નામ જાહેર કરી ચૂકી છે.
રીટેન ખેલાડીને જાળવી રાખવાના નિયમ: ચાર ખેલાડીને રીટેન કરવાથી ફ્રેંચાઇઝીના 90 કરોડ રૂપિયાના પર્સમાંથી 42 કરોડ કપાઇ જશે. જેમાં પહેલા નંબરના ખેલાડીને 16, પછીના ખેલાડીઓને અનુક્રમે 12, 8 અને 6 કરોડ મળશે. જ્યારે ત્રણ ખેલાડીને રીટેન કરવાની સ્થિતિમાં 33 કરોડ રૂપિયા કટ થશે અને એકથી ત્રણ નંબરના ખેલાડીને 1પ, 11 અને 7 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. બે ખેલાડી માટે 24 કરોડ કપાશે અને આ માટે ખેલાડીને 14 અને 10 કરોડ આપવા પડશે. જે ફ્રેંચાઇઝી એક જ ખેલાડી રીટેન કરશે તેના ખાતામાં 14 કરોડ કટ થશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer