એશિયામાં અવ્વલ સ્થાન ચૂક્યા અદાણી

એશિયામાં અવ્વલ સ્થાન ચૂક્યા અદાણી
જિઓનાં પ્લાન મોંઘાં થતાં રિલાયન્સના શેરોમાં તેજી, અંબાણીથી 13 અબજ ડોલર ઘટી અદાણીની સંપત્તિ
મુંબઇ, તા. 29 : અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી એશિયામાં સૌથી અમીર કારોબારી બનવાની સોનેરી તક ચૂકી ગયા છે. તેમની સંપત્તિ મુકેશ અંબાણી કરતાં 13 અબજ ડોલર ઘટી ગઇ છે.
ટેલિકોમ કંપની જિઓએ પ્લાનની કિંમત વધારતાં તેની હકારાત્મક અસર રૂપે સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ત્રણ ટકા વધીને 2471 રૂપિયા પર પહોંચી ગયો છે.
રિલાયન્સની બજારમૂડી આજે 15.69 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. તો અદાણી જૂથની છ લિસ્ટેડ કંપનીની બજારમૂડી 9.61 લાખ કરોડ રૂપિયા છે.
બ્લૂમ બર્ગના અબજપતિઓના આંક અનુસાર શુક્રવારના આધાર પર અંબાણીની સંપત્તિ 91.1 અબજ ડોલર હતી, તો અદાણીની સંપત્તિ 78.14 અબજ ડોલર હતી.
ગૌતમ અદાણીની પોતાની કંપનીઓમાં હિસ્સેદારી રિલાયન્સ જૂથમાં મુકેશ અંબાણીની હિસ્સેદારી કરતાં વધારે છે.
અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સેદારી 50.61 ટકા છે, જ્યારે અદાણીની તેમની કંપનીઓમાં હિસ્સેદારી 70.59 ટકા છે.
ઉલ્લેખનીય છે કે સઉદી અરામકો સાથેનો 15 અબજ ડોલરનો સોદો તૂટી ગયા પછીથી રિલાયન્સના શેરમાં લગાતાર ઘટાડો શરૂ થયો હતો, પરંતુ જિઓનાં પ્લાનની કિંમતોમાં વધારા બાદ ફરી શેરોમાં તેજી આવી ગઇ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer