દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ છતાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ચાલુ ? : સુપ્રીમ

દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ છતાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ચાલુ ? : સુપ્રીમ
પ્રદૂષણ મામલે સુનાવણી: કેન્દ્ર પાસે જવાબ મગાયો
નવી દિલ્હી, તા.ર9 : દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સોમવારે સુનાવણી થઈ હતી. દરમિયાન કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંગે પણ ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછયો કે શું દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ હોવા છતાં સેન્ટ્રલ વિસ્ટા પર કામ ચાલી રહ્યું છે ?
પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન અરજદારના વકીલ વિકાસ સિંહે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે આવા તમામ પ્રોજેકટ રોકવામાં આવે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ લોકોના જીવથી વધુ કિંમતી નથી. અમારી પાસે વીડિયો છે કે કેવી રીતે એ પ્રોજેકટની ધૂળ પ્રદૂષણ વધારી રહી છે, જ્યારે નાના પ્રોજેકટ બંધ છે.
સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું કે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ કે વાયુ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણમાં લેવામાં આવે ? સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ હોય કે બીજી કંઈ, અમને નથી લાગતું કે અમે કંઈ નથી જાણતાં, અમે પણ જાણીએ છીએ અને એસજી તૃષાર મહેતાએ પણ જવાબ આપવો પડશે. ધ્યાન ભટકાવવા માટે તેઓ માત્ર કેટલાક મુદ્દાઓ પર ધ્યાન ન આપે. કેન્દ્ર સરકાર જવાબ આપે કે પ્રતિબંધ છતાં દિલ્હીમાં શું સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું છે ? પ્રદૂષણ મામલે કયા રાજ્યો નિર્દેશોનું પાલન કરી રહ્યા નથી ? અને કેન્દ્ર સરકાર શું કરી રહી છે ? વગેરે અંગે કોર્ટે જવાબ માગ્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer