કલ્યાણપુરનાં લાંબા ગામે લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કરનાર ચાર શખસ સામે ગુનો નોંધાયો

કલ્યાણપુરનાં લાંબા ગામે લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કરનાર ચાર શખસ સામે ગુનો નોંધાયો
ખંભાળિયા, તા. 25: કલ્યાણપુર તાલુકાનાં લાંબા ગામે લગ્ન પ્રસંગે હવામાં ગોળીબાર કરવા અંગે ચાર સામે ગુનો નોંધાયો હતો.
લાંબા ગામે આહિર પરિવારમાં લગ્નનો પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે દાંડિયારાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાંડિયારાસમાં મેરામણભાઈ આલાભાઈ ચેતરિયા તેના ભાઈ રાણાભાઈ આલાભાઈ ચેતરિયા તેમનું પાક રક્ષણ માટે મેળવેલ લાયસન્સવાળી બારબોરની ગન લઈને આવ્યા હતા.
દાંડિયારાસની રમઝટ વખતે જુઠા મેરામણભાઈ ચેતરિયા અને વજશી રાણાભાઈ ચેતરિયાએ બાર બોરની બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાયસન્સધારક મેરામણ ચેતરિયા, રાણા અને ગોળીબાર કરનાર જુઠા અને વજશી સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવ અંગે કલ્યાણપુરના પીએસઆઇ એફ.બી.ગગનિયાએ ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer