ધોરાજી : માસુમ બાળા સાથે અડપલા કરવા અંગેની અપીલમાં ભાયાવદરના શિક્ષકની સજા-દંડમાં વધારો

ધોરાજી : માસુમ બાળા સાથે અડપલા કરવા અંગેની અપીલમાં ભાયાવદરના શિક્ષકની સજા-દંડમાં વધારો
ધોરાજી, તા. 25: છ વર્ષની માસુમ બાળાને અશ્લિલ વીડિયો દેખાડી શારીરિક છેડછાડ કરવા સહિતના આરોપસર પકડાયેલા ભાયાવદરના શિક્ષક પ્રફૂલ્લ ભાણજીભાઇ માંકડિયાને થયેલી સજા એડિશ્નલ સેશન્સ જજે વધારી હતી. કોર્ટે શિક્ષકને છ માસના બદલે બે વર્ષની કેદ અને રૂ. 500ના બદલે રૂ. 10 હજારના દંડની સજા કરી હતી.
અગિયારેક વર્ષ પહેલા તા. 31-1-10ના રોજ ભાયાવદરના શિક્ષક પ્રફૂલ્લ માંકડિયાની સામે તેને ત્યાં ટયુશનમાં આવતી તેના ગામની છ વર્ષની માસુમ બાળાને બિભત્સ વીડિયો બતાવી શારીરિક છેડછાડ કરવાના આરોપની ફરિયાદ થઇ હતી. પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી થઇ જતાં ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટે શિક્ષકને છ માસની કેદ અને રૂ. 500ના દંડની સજા કરી હતી. આ સજાના હુકમ સામે શિક્ષક પ્રફૂલ્લ માંકડિયાએ ધોરાજી એડિશ્નલ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી દરમિયાન સરકારી વકીલ કાર્તિકય પારેખ દ્વારા એવી રજૂઆત થઇ હતી કે,  પ્રફૂલ્લ માંકડિયા સરકારી સ્કૂલના કર્મચારી છે અને તે ટયુશન કરી શકે નહીં તેમ છતાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં હતાં. તેનું કૃત્ય જોતા તે ક્ષમાને પાત્ર નથી. દાખલારૂપ ચૂકાદો આપવો જોઇએ. હાલમાં આવા ગુનાની સજા દસ વર્ષ જેવી છે પણ આ બનાવ બન્યો હતો ત્યારે જૂનો કાયદો અમલમાં હતો એટલા માટે મહત્તમ સજા કરવી જોઇએ. બન્ને  પક્ષને સાંભળીને એડિશ્નલ સેશન્સ જજ રાહુલ શર્માએ શિક્ષકને બે વર્ષની કેદ અને રૂ.500ના દંડને વધારીને રૂ. 10 હજારના દંડની કરી હતી અને આરોપી શિક્ષક પ્રફૂલ્લ માંકડિયાને જેલ હવાલે કરાયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer