હવે દેશમાં મોંઘી થશે વીજળી

હવે દેશમાં મોંઘી થશે વીજળી
વીજ બિલનો ખરડો શિયાળુ સત્રમાં રજૂ થવાની સંભાવના
નવી દિલ્હી, તા. 25 : દેશમાં એક તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમત ભડકે બળી રહી છે. તો હવે વીજળીની કિંમતમાં પણ વધારો થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે દેશમાં લાગુ કરવા માટે નવુ વીજળી બિલ ડ્રાફ્ટ તૈયાર કર્યું છે. ક્યાસ લગાડવામાં આવી રહ્યા છે કે સરકાર આ ખરડાને શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરી શકે છે. આ કાયદો લાગુ થયા બાદદેશભરમાં કરોડો લોકોના ખિસ્સા ઉપર સીધી અસર પડશે.
હકીકતમાં કેન્દ્ર સરકાર વીજ કંપનીઓને સસ્તી વીજળી માટે સબસીડી આપે છે. સરકાર આ સબસીડીને બંધ કરવા જઈ રહી છે. ત્યારબાદ વીજ કંપનીઓ ગ્રાહકો પાસેથી પૂરો ચાર્જ વસુલવા લાગશે. ખરડો પસાર થયા બાદ  કોઈપણ રાજ્ય સરકાર મફતમા વીજળી આપી શકશે નહી. જો કે કેન્દ્ર સરકાર રાંધણ ગેસની જેમ ડાયરેક્ટ ગ્રાહકોના ખાતામાં પણ સબસીડી આપે તેવું પણ બની શકે છે.
નવો વીજ કાયદો લાગુ થયા બાદ વીજળીની કિંમત પણ પેટ્રોલની કિંમતની જેમ ઝડપથી બદલી શકશે. કારણ કે વીજ કંપનીઓ ઈનપુટ કોસ્ટના આધારે ગ્રાહકો પાસેથી બિલ વસુલવા માટે સ્વતંત્ર રહેશે. વર્તમાન સમયાં કંપનીઓના ઉત્પાદનની પડતર ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા બિલથી 0.47 રૂપિયા પ્રતિ યુનિટ વધારે છે. કંપનીઓ આ તમામ નુકસાનની ભરપાઈ સરકારની સબસીડીમાંથી કરે છે.
વીજળી વિતરણ કંપનીઓ વર્તમાન સમયમાં નુકશાનમાં ચાલી રહી છે. વર્તમાન સમયે કંપનીઓ ઉપર 50,000 કરોડથી વધારેનું નુકસાન છે. આ સાથે જ ડિસકોમ ઉપર કંપનીઓના 95000 રૂપિયા બાકી છે.
જો કે નવો કાયદો લાગુ કરવામાં પડકારો પણ છે. જેમ કે વીજ કનેક્શન મકાન માલિક, જમીન, દુકાનના માલિકના નામે હોય છે. તો ભાડુઆતના મામલામાં સબસિડી કેવી રીતે મળશે. આ વાત સ્પષ્ટ નથી. આ ઉપરાંત વિજળીના વપરાશના હિસાબે સબસીડી નક્કી થશે અને આના માટે 100 ટકા મીટરિંગ પણ જરૂરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer