ભારતમાં એક હજાર પુરુષ સામે 1020 મહિલા

ભારતમાં એક હજાર પુરુષ સામે 1020 મહિલા
બેંક ખાતું ધરાવતી મહિલાઓ 25% વધી
નવી દિલ્હી, તા. 25 : ભારત દેશમાં પહેલીવાર કુલ આબાદીમાં એક હજાર પુરુષો સામે મહિલાઓની સંખ્યા વધીને 1020 થઇ ગઇ છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અર્થાત્ રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણના આંકડા અનુસાર 2015-16માં આ પ્રમાણ એક હજાર પુરુષો સામે 991 મહિલાઓનું હતું. ખાસ બાબત એ છે કે કુલ આબાદીમાં ત્રી-પુરુષના સંખ્યાદરનું ચિત્ર શહેરો કરતાં ગામડાંમાં વધુ સારું છે.
ગામડાંઓમાં એક હજાર પુરુષની સામે 1037 મહિલા છે, જ્યારે શહેરી ભારતમાં એક હજાર પુરુષ સામે 985 મહિલા છે. બીજી તરફ દેશમાં પહેલીવાર પ્રજનન દર 2.1થી નીચે આવી ગયો છે. 2015-16માં 2.2 સામે આજે પ્રજનન દર બે થઇ ગયો છે. દેશમાં મહિલાઓની સંખ્યા ભલે વધી હોય પરંતુ આજેય સ્થિતિ સારી નથી. આજે પણ દેશમાં 41 ટકા મહિલાઓ એવી છે જેમને ધો. 10 પછી શિક્ષણ પ્રાપ્ત થતું નથી. પોતાનું બેંક ખાતું ધરવાતી મહિલાઓની સંખ્યામાં 25 ટકા વધારો આવ્યો છે. અત્યારે 78.6 ટકા મહિલા પોતાના બેંક ખાતા ધરાવે છે. તો 43.3 ટકા મહિલાઓ પાસે પોતાનાં નામે કોઇ ને કોઇ સંપત્તિ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer