દિલ્હીમાં રોડ શોનો આરંભ: ગુજરાત બનશે હવે વાઇબ્રન્ટ

દિલ્હીમાં રોડ શોનો આરંભ: ગુજરાત બનશે હવે વાઇબ્રન્ટ
સમિટ માટે દિલ્હીમાં મુખ્યપ્રધાને યોજ્યો પ્રથમ રોડ શો: નવ કંપનીના વડાઓને મળતા ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ, તા.25 (ફૂલછાબ ન્યૂઝ): આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર યોજાનારા 2022ના વાઇબ્રન્ટ ઉત્સવ માટે દિલ્હી શહેરથી પ્રથમ રોડ શોનો પ્રારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયો હતો. તેમણે પ્રથમ દિવસે જ નવ જેટલા ઉદ્યોગગૃહો સાથે વન ટુ વન બેઠક કરીને રોકાણ માટે ગુજરાતમાં વેલકમ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 10 જાન્યુઆરીએ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવવાના છે.
સમિટમાં વિવિધ રાજ્યોના વડા, વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ, ગ્લોબલ સી.ઇ.ઓ; વિવિધલક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને ભારત સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યપ્રધાને ઉદ્યોગ સંચાલકો સમક્ષ ગુજરાતે દેશમાં સૌથી વધુ એફ.ડી.આઇ એટલે કે 21.9 યુ.એસ. બિલિયન ડોલર જેટલું રોકાણ 2021નાં વર્ષમાં મેળવી શક્યું છે તે બાબતનો ઉલ્લેખ કર્યો હતો. લીડ્સ ઇન્ડેક્સમાં પણ ગુજરાતે 2018, 2019 અને 2021માં ટોપ પર રહી સફળતાની હેટ્રિક નોંધાવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યપ્રધાને મારુતિ સુઝુકી, અવાડા એનર્જી, અૉયો હોટેલ્સ એન્ડ હોમ્સ, પી. આઇ ઇન્ડસ્ટ્રી, જે.સી.બી, અર્બન કંપની અને ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોને મળીને ગુજરાતમાં રોકાણ માટેની તકો અને જગ્યાઓ અંગે ચર્ચા કરી હતી.
ગુજરાતમાં ધોલેરા સર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ સાથે આવા મેગા પ્રોજેક્ટ ક્ષેત્રમાં પણ યોગદાન આપશે તેમ જણાવાયું હતુ.
મારુતિ સુઝુકી ઇન્ડિયાના એમ.ડી. કિન્ચી આયુકાવાએ મારુતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડનાં રોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. અવાડા એનર્જી પ્રાયવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં વિનીત મિત્તલે આવનારાં પાંચ વર્ષોમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડનાં તેમનાં રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. અૉયો હોટેલ્સ એન્ડ હોમ્સના સંચાલકોએ 750 હોટેલ જોડાણ સાથે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી તેઓ પૂરી પાડે છે તેની વિગતો આપી હતી. પી. આઇ ઇન્ડસ્ટ્રીના એમ.ડી અને વાઇસ ચેરમેન મયંક સિંઘલે ગુજરાતના પાનોલી જંબુસરમાં પોતાના અતિ આધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે એની વાત કરીને વાઇબ્રન્ટ ઉત્સવમાં જોડાવાની વાત કરી હતી.  
જે.સી.બીના સી.ઇ.ઓ દીપક શેટ્ટીએ ગુજરાતમાં હાલોલ ખાતે 650 કરોડનાં રોકાણ સાથે 1100 લોકોને રોજગાર અવસર આપતો પ્લાન્ટ આગામી એપ્રિલ 2022 સુધીમાં શરૂ કરવાનું આયોજન મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કર્યું હતું. ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર એમ.ડી અજય શર્માએ વર્તમાન વ્યવસાય રોકાણને વધારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખ માંડવિયાએ ઉદ્યોગોને વ્યાપાર કરવા માટે જરૂરી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ મળી જ રહેશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતની આ યાત્રામાં રાજ્યએ બે મોટા સીમાચિહ્નો અંકિત કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના 20 હજાર પ્રવાસીઓ મુલાકાત લે છે. કેવડિયા ગુજરાત પ્રવાસન ધામ બન્યું છે. સરદાર સરોવર ડેમને કારણે ગુજરાતી સિંચાઈ ક્ષમતા અનેક ગણી વધી છે.
આ કર્ટન રેઈઝર રોડ-શોમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવાસિંહ ચૌહાણ, શ્રીમતી દર્શના બહેન જરદોશ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન સહિત ભારત સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer