ખોડલધામ @ 5 : નરેન્દ્ર મોદી આવશે?

ખોડલધામ @ 5 : નરેન્દ્ર મોદી આવશે?
 પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પ્રવાસ શરૂ : રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને દેશભરમાંથી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડશે
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ તા.25: માત્ર લેઉવા પટેલ જ નહીં, અન્ય સમાજના પણ આસ્થાના પ્રતિક સમાન ખોડલધામમાં આગામી જાન્યુઆરીમાં એક મોટો કાર્યક્રમ યોજાવા જઇ રહયો છે. કાગવડ ખાતેના ખોડલધામ મંદિરને આગામી જાન્યુઆરીમાં પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે ફરી વિશ્વભરમાં વસતા લેઉવા પટેલ સમાજના લોકો એક જગ્યાએ ભેગા થઇને પાટોત્સવની ઉજવણી કરશે તેવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પાટોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાનથી લઇને મુખ્યમંત્રી સહિતના પ્રધાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે તેમજ ઉદ્યોગપતીએ અને લેઉવા પટેલા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિર વર્ષોની મહેનત બાદ તૈયાર થયું હતું. મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે રેકોર્ડબ્રેક લોકોની હાજરી નોંધાઇ હતી. ત્યારે હવે 21મી જાન્યુઆરી 2022એ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોવાથી પાટોત્સવનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં મોટી વસતી ધરાવતા લેઉવા પટેલ સમાજના લાખો લોકો ખોડલધામના કોઈપણ ધાર્મિક પ્રસંગમાં ઉમટી પડતા જ હોય છે. 21મી જાન્યુઆરીના પાટોત્સવમાં પણ ઉમટી પડવાનું સ્પષ્ટ છે.
આ કાર્યક્રમની તૈયારીના ભાગરુપે ખુદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને અલગ-અલગ જિલ્લાના પ્રવાસ કરી રહયા છે. જેમાં અમરેલી, ગીર-સોમનાથ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં જઇને તેમણે સમાજના લોકોને પાટોત્સવમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું છે. હજુ આવનારા સમયમાં અન્ય જિલ્લાનો પ્રવાસ પણ તેઓ કરશે. મહત્વની બાબત એ છે કે  ખોડલધામના પાટોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે તેવા પ્રાથમિક નિર્દેશો છે. ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. કાર્યક્રમ વિશે પ્રાથમિક માહિતી આપી દેવામાં આવી છે. તૂર્તમાં વિધિસર આમંત્રણ આપવા માટે ટ્રસ્ટીઓ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળશે. સૂત્રોએ એવી માહિતી આપી છે કે પાટોત્સવનો કાર્યક્રમ નકકી છે પરંતુ વિરાટરૂપે યોજવો કે કેમ તે વિશે હવે નિર્ણય થશે કારણ કે સરકારની કોરોના ગાઈડલાઈન પર સમગ્ર આધાર રહે તેમ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે તેવી વાતો વચ્ચે પાટીદાર સમાજમાં પાટોત્સવની ઉજવણી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે તેવી વાતો પણ બહાર આવી રહી છે. કારણ કે પાટીદાર દ્વારા વારંવાર પૂરતું મહત્વ ન અપાતું હોવાના વિધાનો કરવામાં આવે છે. જોકે સમાજના આગેવાનો પાટોત્સવની ઉજવણીને અને ચૂંટણીને કે રાજકારણને કશું લાગતું વળગતું ન હોવાનું પણ જણાવી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer