રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂ. 30થી ઘટાડીને રૂ. 10 કર્યા

રાજકોટ, જામનગર, ભાવનગર સહિત ડિવિઝનના નાના-મોટા 51 સ્ટેશન પર ઘટાડેલા દર લાગુ

રાજકોટ, તા. 24:  આખરે રાજકોટ અને ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂપિયા 30થી ઘટાડીને 10 કરતા મુસાફરો અને તેમને તેડવા-મુકવા આવતા સંબંધીઓને રાહત પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પ્રસરી રહી હતી ત્યારે રેલવે સ્ટેશન પર પેસેન્જર અને તેમની સાથે આવતા લોકોની ભીડ ઘટાડવા માટે રેલવે તંત્રએ એક પ્લેટફોર્મ ટિકિટના ભાવ 50 રૂપિયા કર્યા હતા. થોડા મહિના પછી તે ભાવ ઘટાડીને 30 રૂપિયા કરાયા હતા. હવે ફરીથી મુળ કિંમત 10 રૂપિયા લેખે પ્લેટફોર્મ ટિકિટ આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈનના નિર્દેશનમાં આ ભાવ ઘટાડાનો નિર્ણય આજથી જ પ્રભાવી થયો છે. રાજકોટ, જામનગર, હાપા સહિત ડિવિઝનના નાના-મોટા 51 રેલવે સ્ટેશન પર આજથી 10 રૂપિયા લેખે પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવશે.
આ જ રીતે ભાવનગર રેલવેના ડિવિઝનલ મેનેજર મનોજ ગોયલના નિર્દેશ અનુસાર ભાવનગર ઉપરાંત બોટાદ, જૂનાગઢ, પોરબંદર સહિતના ડિવિઝનના તમામ રેલવે સ્ટેશન પર આજથી પ્લેટફોર્મ ટિકિટ 30 રૂપિયાને બદલે 10 રૂપિયામાં આપવામાં આવશે.

ટિકિટ પર કન્સેશન નહીં અપાતા કચવાટ
રેલવે તંત્ર દ્વારા સિનિયર સિટીઝન મહિલા-પુરૂષ,  એઈડ્સ-કેન્સર જેવા રોગથી પીડિતો, શારીરિક-માનસિક દિવ્યાંગો તેમજ અન્ય વિશેષ વર્ગના વ્યક્તિ તથા લાગુ પડતા કિસ્સામાં તેમના સાથીદારને પણ રેલવે પ્રવાસ પર ટિકિટમાં ધરખમ કન્સેશન આપવામાં આવતું હતું. કોરોના દરમિયાન ટ્રેનો બંધ થઈ અને પુન: શરૂ થઈ ત્યારથી આ કન્સેશનનો લાભ બંધ કરાયો છે. હવે કોરોનાની લહેર આથમવામાં છે અને મોટાભાગનું જનજીવન રાબેતામુજબ થઈ રહ્યું છે, રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વધારાના ભાવ ઘટાડીને મૂળ કિંમત 10 રૂપિયા કરી છે ત્યારે અવે રેલવે દ્વારા સ્પેશિયલ કેટેગરીના મુસાફરોને ટિકિટ ભાડામાં કન્સેશન પણ શરૂ કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer