અમદાવાદમાં એસ્ટ્રલ પાઇપ્સ, રત્નમણી મેટલ્સમાંથી 500 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા !

અમદાવાદ, તા. 24: અમદાવાદમાં એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણી મેટલ્સમાં આવકવેરાની ટીમની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. અમદાવાદમાં 20થી વધુ સ્થળે તપાસ યથાવત્ છે. જેની સાથે મુંબઈ અને દિલ્હી મળીને કુલ 44 સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. આઇટી વિભાગની કાર્યવાહી હજુ 2-3 દિવસ ચાલે તેવી શક્યતા છે. પ્રાથમિક તપાસમાં 500 કરોડની બિનહિસાબી આવકના પુરાવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે વહેલી સવારે આ બંને કંપનીની વિવિધ શાખાઓમાં આવકવેરા વિભાગના 50થી વધુ અધિકારીઓ અને 100થી વધુ કર્મચારીઓની ટીમો ત્રાટકી હતી. અમદાવાદમાં અત્યાર સુધીના આ સૌથી મોટા દરોડા માનવામાં આવી રહ્યા છે.  જોકે હાલમાં ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યું છે. આ દરોડા દરમિયાન એક કરોડ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે અને 12 જેટલા શંકાસ્પદ બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા છે. જેમાં રત્નમણિ મેટલ્સના સીએમડી પ્રકાશ સંઘવીની નારણપુરા સ્થિત રાજમુગૂટ સોસાયટીમાં આવેલી રજિસ્ટર્ડ ઓફિસ ઉપરાંત સેટેલાઇટમાં આવેલી ઓફિસો, રહેઠાણો, છત્રાલ, કચ્છના ભીમાસરમાં આવેલી ફેક્ટરી, વાપી, સેલવાસા, મુંબઈ ખાતેની ઓફિસોમાં દરોડા પાડીને મોટી માત્રામાં કરચોરી અંગેના દસ્તાવેજો જપ્ત કરાયા છે. 
અહીં નોંધવું ઘટે કે, એસ્ટ્રલ ગ્રુપ દ્વારા કંપનીની પ્રોડક્ટના પ્રચાર અને માર્કેટિંગ માટે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયો હતો. ત્યાર પછી રણવીર સિંહને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. બંને ફિલ્મ સ્ટાર્સને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેની તપાસ આઇટીના અધિકારીઓ ચલાવી રહ્યા છે. કંપનીએ આઇપીઓ બહાર પાડીને 35 કરોડની કમાણી કરી હતી. એટલું જ નહીં બેન્કોમાંથી કેટલી લોન લેવાઈ છે તેની તપાસ પણ ચાલી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer