મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી ખાતે 10મી વાયબ્રન્ટનો પ્રથમ રોડ શો કરશે

તા.8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઈ-અબુધાબી ખાતે યોજાનારા રોડ શોમાં પણ ભાગ લેશે

અમદાવાદ, તા.24 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીમાં જાન્યુઆરી 2022માં ગુજરાત વાઈબ્રન્ટ સમીટના સંદર્ભે પ્રથમ રોડ શો કરશે તેના માટે આજે તેઓ સાંજે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. તા.25 નવેમ્બરના રોજ સવારે 9 થી સાંજે 7 દઅરમિયાન ઉદ્યોગ વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ 2022 સંદર્ભે બેઠકો યોજાશે. બપોરે 12.30 કલાકે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક પણ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતા સાથોસાથ કોવિડ મહામારી બાદ બેઠા થતાં વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણના નવીનતમ ક્ષેત્રો, ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઉદ્યોગ વેપાર અગ્રણીઓ સમક્ષ વિષદ વિચાર વિમર્શ, રોડશો અને વન ટુ વન બેઠક યોજવાના છે. આ ઉપરાંત  તેઓ ગુજરાત રાજ્યના ઉદ્યોગ વેપાર લક્ષી નીતિઓ વિશે પણ માહિતગાર કરશે.
રાત્રીનાં 9 દરમિયાન કેન્દ્રિય વિદેશ મંત્રી એસ.જયશંકરની અધ્યક્ષતામાં દિલ્હી સ્થિત આવેલા વિદેશી રાજદૂતો સાથે બેઠક સહિત ભોજનનું આયોજનકરાયું છે. આ બેઠક દરમિયાન ગુજરાતમાં વિદેશી મુડીરોકાણ અંગેની તકો, આંતરમાળખાકીય  સુવિધાઓ સહિતની ચર્ચા વિચારણા હાથ ધરાશે તેમજ વિદેશનાં રાજદૂતોને દસમી વાયબ્રન્ટ 2022ની સમિટમાન્કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાવવા માટે અપીલ પણ કરશે. મહત્વનું છે કે, દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશોમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ રોડ શો દિલ્હી ખાતે આવતીકાલ તા.25નાં રોજ યોજાશે. આ ઉપરાંત અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, અબુધાબી તથા મીડલ ઈસ્ટના દેશોમાં વિવિધ વિભાગનાં સચિવો રોડ શો યોજશે જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરનાં રોજ દુબઈ અને અબુધાબી ખાતે યોજાનાર રોડ શોમાં સહભાગી થશે.
આવતીકાલે દિલ્હી ખાતે યોજાનારા રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર અને ઉદ્યોગ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા તથા મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer