અંગદાનથી 6 જિંદગીમાં અજવાળા કરી, ‘દીપક’નો જીવનદીપ બુઝાયો


સુરજ ના બન પાયે તો બનકે ‘દીપક’ જલતા ચલ.. 

જામનગરનો વિપ્ર યુવાન બ્રેઈન ડેડ થતાં રાજકોટમાં સારવાર બાદ અંગદાન કરાયું
રાજકોટથી હવાઈ માર્ગે ધબકતું હૃદય અમદાવાદ પહોંચાડવા ગ્રીન કોરીડોર બનાવાયો
 
રાજકોટ, જામનગર, તા. 24: (ફૂલછાબ ન્યુઝ) જામનગરના વિપ્ર યુવાન દીપક ત્રિવેદી બે દિવસ પહેલા પડી જતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને બ્રેઈન ડેડ જાહેર કરાતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. એકમાત્ર કુળદીપકની આ સ્થિતિ છતાં પરિવારજનોએ તેના અંગદાનનો નિર્ણય કર્યો હતો. આજે હૃદય, કિડની સહિત છ અંગના દાન કરીને દીપકનો જીવનદીપ બુઝાયો હતો. જોકે તે પહેલા માનવતાની સર્વોચ્ચ સેવા કરી દીપક અને તેના પરિવારજનોએ અન્ય છ વ્યક્તિના જીવનમાં અજવાળાના ઓજસ પાથર્યા હતા.
જામનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 42 વર્ષના અપરણીત યુવાન દીપક ત્રિવેદી બે બહેનોનો એકના એક ભાઈ હતા. જેમને જામનગરમાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડાતા ન્યુરોસર્જન ડો. સંજય ટીલવાએ સારવાર હાથ ધરી હતી પરંતુ હેમરેજ ખૂબ વધી ગયું હોઈ, છેવટે યુવાન બ્રેઈન ડેડ થયો હતો. જેની જાણ તેમના સેવાભાવી પિતા કિશોરભાઈ અને જ્યોતિબેનને કરી અંગદાન માટે સમજાવ્યા હતા. સામાન્ય રીતે માતાનું હૃદય પુત્ર માટે વાત્સલ્યથી ભરેલું હોઈ, માતાને પોતાના એકના એક પુત્રના અંગદાન માટે તૈયાર કરવા એ અતિ કપરી સ્થિતિ હોય છે. આ કિસ્સામાં માતા જ્યોતિબેને કાળજા પર પથ્થર રાખી અન્ય જિંદગી, જેમને અંગોની જરૂર હતી તેમના વિશે વિચારીને અંગદાન માટે સહમતી આપી અને અન્ય પરિજનોને પણ સમજાવ્યા હતા.
ત્યારબાદ ડો. ટીલવા, ડો. સનારીયા, ડો. ડોબરીયા, ડો. માકડીયા, ડો. ભટ્ટની ટીમે અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડો. દિવ્યેશ વિરોજા સહિતના સાથે સંકલન કર્યું હતું. અમદાવાદથી અંગોનું દાન મેળવવા ડોક્ટરની ટીમ આવી હતી. દીપકનું હૃદય સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં અપાયું હતું, બે કિડની આઈડીકેડી હોસ્પિટલમાં, બે આંખો સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અને લીવર ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં અપાયું હતું.
હૃદયને ધબકતું રાખી, એ જ  સ્થિતિમાં અમદાવાદ સુધી ચોક્કસ સમયમાં લઈ જવા સિનર્જી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ ગ્રીન કોરીડોર બનાવાયો હતો. જેમાં પોલીસ જવાનોએ વ્યવસ્થા કરી આપી હતી. આ સાથે રાજકોટમાંથી હૃદયના દાનનો બીજો અવસર થયો હતો.
દીપક ત્રિવેદી અને તેમના પરિવારજનોએ છ વ્યક્તિની જીંદગીમાં અજવાળાના ઓજસ પાથરીને માનવ સેવાનું ઉત્કૃષ્ટ શિખર સર કર્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer