મોરબી: સસ્તામાં અમેરિકન ડોલર, સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને ઠગાઇ કરતી ગેંગના 3 સાગરીત પકડાયા

મોરબી: સસ્તામાં અમેરિકન ડોલર, સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને ઠગાઇ કરતી ગેંગના 3 સાગરીત પકડાયા

મોરબી, તા. 24: સસ્તામાં અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને ઠગાઇ કરતી ગેંગના ત્રણ સાગરીત હાસમ કરીમભાઇ મોવર, મુકેશ ઉર્ફે લાલો ખેંગારભાઇ રાણવા અને ઇમ્તિયાઝ યુનુસભાઇ અજમેરીને પોલીસે ઝડપી લીધા હતાં. આ ટોળકીના અન્ય સાગરીતોને પકડી  પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ બતાવીને છેતરપિંડી કરતી ટોળકીના સાગરીતો લાલ રંગની કારમાં માળિયામિંયાણા તરફ જવાના હોવાની ચોક્કસ બાતમી એલસીબીના પીએસઆઇ એન.બી.ડાભી અને પી.જી.પનારાને મળી હતી. આ હકિકતના આધારે એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવીને કારને ઝડપી લેવામાં આવી હતી.કારમાંથી અમેરિકન ડોલરનું બંડલ, પીળી ધાતુના બિસ્કીટ મળી આવ્યા હતાં. કારમાં રહેલા ઇન્દિરાનગર અને વિપુલનગરના હાસમ કરીમભાઇ મોવર, મુકેશ ઉર્ફે લાલો ખેંગારભાઇ રાણવા અને કાંતિનગરના ઇમ્તિયાઝ યુનુસભાઇ અજમેરીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં આ શખસોએ એવી કબૂલાત આપી હતી  કે, સાત દિવસ પહેલા તા.17ના રોજ માળિયાના હરીપર ગામ પાસે બિપીનભાઇ અરજણભાઇ પરમારને અમેરિકન ડોલર અડધી કિંમતમાં આપવાના બહાને બોલાવ્યા હતાં. તેને અમેરિકન ડોલરનું બંડલ બતાવ્યું હતું. તે બંડલ ગણતા હતાં ત્યારે તેના સાગરીતોપોલીસના સ્વાંગમાં આવ્યા હતાં. બિપીનભાઇ પાસેથી અમેરિકન ડોલરનું બંડલ અને રૂ. 4.50 લાખ પડાવી લઇને છેતરપિંડી કરી હતી. પોલીસે આ શખસો પાસે લાગ રંગની ક્રિયા કાર, મોબાઇલ ફોન, રોકડ રકમ, પીળી ધાતુના બિસ્કીટ અને અમેરિકન ડોલરનું બંડલ કબજે કર્યા હતાં. આ ટોળકીના સાગરીત વીસીપરાની મદીના સોસાયટીના અનવર બચુભાઇ જામ, શબ્બીર જાનમહંમદ,  સુરેન્દ્રનગરના સાજીદ મોવર, વઢવાણના સલીમ અને અંજારના મહેબુબને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer