ઉલ્કા સાથે ટક્કરનો પ્રયોગ ‘નાસાનું ડાર્ટ મિશન’

ઉલ્કા સાથે ટક્કરનો પ્રયોગ ‘નાસાનું ડાર્ટ મિશન’
અંતરિક્ષ યાન એલન મસ્કના ફાલ્કન રોકેટથી રવાના
વોશિંગ્ટન, તા.ર4 :  અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ અંતરિક્ષમાં એસ્ટરૉઈડ સાથે ટક્કર કરાવવા પોતાનું એક યાન રવાના કર્યું છે. નાસાનું આ ડાર્ટ મિશન ભવિષ્યમાં પૃથ્વી સાથે એસ્ટરૉયડની ટક્કરને રોકવાનો રસ્તો બતાવશે. આ મિશન દ્વારા નાસા એ જાણવાનો પણ પ્રયાસ કરશે કે વિશાળ આકાશી પહાડનો રસ્તો રોકવો કેટલો મુશ્કેલ છે ?
એસ્ટરૉઈડ સાથે ટક્કર કરાવવા નાસાએ યાનને અબજપતિ એલન મસ્કના રોકેટ ફાલ્કૉન 9 થી રવાના કર્યું છે. બુધવારે કેલિફોર્નિયાથી ડાઈમોરફોસ એસ્ટરૉઈડ સાથે ટક્કર કરાવવા આ યાન લોન્ચ કરાયું હતું. કોઈ વિશાળ એસ્ટરૉઈડનો રસ્તો રોકવાનો આ પહેલો પ્રયાસ છે. જો કે જે એસ્ટરૉઈડ સાથે ટક્કર કરાવવાની યોજના છે તેનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી.ડાર્ટને ડબલ એસ્ટરૉઈડ રિડાયરેકશન ટેસ્ટ માટે બનાવવામાં આવ્યું છે. દરરોજ નાના-મોટા અનેક એસ્ટરૉઈડ પૃથ્વી તરફ આવતાં હોય છે પરંતુ નજીક આવતાં જ ઘર્ષણથી તે નાશ પામે છે. તેમ છતાં અંતરિક્ષમાં એવા મહાકાય એસ્ટરૉયડ ઉપસ્થિત છે જેનાથી ભવિષ્યમાં પૃથ્વીને ખતરો ઉભો થઈ શકે છે.
નાસા અંતરિક્ષ યાનની જે એસ્ટરૉઈડ સાથે ટક્કર કરાવવા જઈ રહ્યું છે તેની લંબાઈ 169 મી. છે. નાસા તેની દિશા અને ગતિ બદલવા પ્રયોગ કરી રહ્યું છે. ર0રર ના અંત સુધીમાં નાસાનું યાન આપમેળે આ એસ્ટરૉઈડ સાથે ટકરાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer