અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રામાડોલનો 189 કિલોનો જથ્થો પકડાયો

નિકાસકાર દ્વારા નાઇજીરિયા મોકલવામાં આવતો’તો: મોકલનારની ઓળખ અને સરનામું ખોટું હોવાનું ખુલ્યું
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 24: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પકડાઇ રહેલા ડ્રગ્સની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રામાડોલનો 189 કિલોનો જથ્થો કસ્ટમ વિભાગે પકડી પાડયો છે. આ જથ્થાને અમદાવાદના નિકાસકાર દ્વારા નાઇજીરિયા રવાના કરવામાં આવતો હોવાનું સામે આવ્યુ છે. 
કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સમાં શંકાસ્પદ કુરિયરની તપાસ કરતા આ જથ્થો ઝડપાયો હતો. એનડીપીએસ એક્ટ અંતર્ગત સાયકોટ્રોપિક પદાર્થની નિકાસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે. કાયદાની જોગવાઇ પ્રમાણે કોઇ નિકાસ કે આયાત કરતા હોય તો તેમણે નાર્કોટિક્સ વિભાગની પરવાનગી લેવી પડતી હોય છે, જે આ કેસમાં લેવામાં આવી ન હોતી. આમ નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરને જથ્થો જપ્ત કર્યા બાદ મોકલનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોકલનાર વ્યક્તિનું સરનામું અને ઓળખ ખોટી હતી. આમ અત્યાર સુધી ગુજરાતમાં આયાત થતું ડ્રગ્સ પકડવામાં આવતું હતું. જ્યારે પહેલી વખત ગુજરાતમાંથી નશાકારક પદાર્થના ગેરકાયદે નિકાસને ઝડપી પાડવામાં આવ્યું છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer