શિયાળુ સત્રમાં સરકાર લાવશે 26 ખરડા

શિયાળુ સત્રમાં સરકાર લાવશે 26 ખરડા
ક્રિપ્ટોકરન્સી, કૃષિ કાયદા પરત ખેંચવા, માદક પદાર્થ સાથે સંબંધિત સહિત ક્રમબદ્ધ
નવી દિલ્હી, તા.ર4 : ર9 નવે.થી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં મોદી સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સી, ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા સહિત કુલ ર6 ખરડા ક્રમબદ્ધ કરવામાં આવ્યાનું લોકસભા સચિવાલયના બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતું.
સંસદના આગામી સત્રમાં સરકાર એક પછી એક ખરડા રજૂ કરશે જેમાં ક્રિપ્ટોકરન્સી અને અધિકારિક ડિજિટલ મુદ્રા વિનિયમન વિધેયક ર0ર1 સામેલ છે. પ્રસ્તાવિત ખરડામાં ભારતમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી છે. જો કે તેમાં કેટલાક અપવાદ પણ છે. જેથી ક્રિપ્ટોકરન્સી સાથે સંબંધિત ટેકનોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય.
ભારતમાં હાલ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ન તો કોઈ પ્રતિબંધ છે ન નિયમનની કોઈ વ્યવસ્થા છે. વડાપ્રધાન મોદીએ ક્રિપ્ટોકરન્સી અંગે તાજેતરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
લોકસભા સચિવાલય બુલેટિન અનુસાર, સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચતો ખરડો પ્રસ્તાવિત છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં સરકારે ભારે વિરોધ વચ્ચે નવા ત્રણ કૃષિ કાયદાનો ખરડો પસાર કરાવ્યો હતો જે હવે પાછો ખેંચાશે.
આ સિવાય શિયાળુ સત્રમાં માદક પદાર્થ તથા મન:પ્રભાવી ઔષધી સંશોધન, કેન્દ્રિય સતર્કતા આયોગ સંશોધન, દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના સંશોધન, રાષ્ટ્રીય ડોપિંગ રોધી, માનવ તસ્કરી રોકથામ, સુરક્ષા, પુનર્વાસ, વિદ્યુત સંશોધન, ઉત્પ્રવાસ વગેરે ખરડા ક્રમબદ્ધ કરવામાં આવ્યા છે.

© 2022 Saurashtra Trust