સરકારી બાંધકામના કોન્ટ્રાક્ટરો માગે છે 40 ટકા ભાવ વધારો

સરકારી બાંધકામના કોન્ટ્રાક્ટરો માગે છે 40 ટકા ભાવ વધારો
કાચા માલના ભાવવધારા મુજબ વધારો નહીં ચૂકવાય તો સંગઠન ડિજિટલ કી સોંપી દેવા પણ મક્કમ: નવા ટેન્ડર નહીં ભરે
રાજકોટ, તા.24 (ફૂલછાબ ન્યૂઝ):  સિમેન્ટ, સ્ટીલ, ડામર, રેતી, કપચી અને ઇંટ મોંઘા થવા ઉપરાંત કારીગરોએ મજૂરી દરમાં પણ વધારો કરી નાંખતા સરકારી કોન્ટ્રાક્ટરોએ 30થી 40 ટકા ભાવ વધારો આપવાની માગ કરી છે. જો સરકાર પંદર દિવસમાં કોઇ નિરાકરણ ન લાવે તો જાહેર બાંધકામના નવા ટેન્ડરો ભરવાનું બંધ કરવામાં આવશે અને ટેન્ડર ભરવાની ડિજિટલ કી પણ જિલ્લા પ્રમુખોને સોંપી દેવા અલ્ટીમેટમ અપાયું છે.
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશને કહ્યું છે કે, કાચા માલના ભાવમાં 30થી 40 ટકા જેટલો વધારો થઈ ગયો છે. તે અત્યારે કોન્ટ્રાક્ટરોએ ભોગવવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટરોના માર્જિન સાવ ઘસાઈ ગયા છે. એ કારણે અમે રાજ્ય સરકારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. સંગઠનના ચેરમેન અરવિંદ પટેલે કહ્યું કે, આ મુદ્દે અમે ગુજરાતના 200 જેટલા સભ્યની બેઠક બોલાવીને ગહન ચર્ચા કરી હતી. એ પછી સરકાર પાસે 30થી 40 ટકા સુધીનો ભાવવધારો માગ્યો છે. રાજ્ય સરકાર તથા મહાનગર પાલિકામાં અમે કામગીરી કરતા હોઈએ છીએ. બાંઘકામમાં વપરાતા મટિરિયલમાં કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવથી કોન્ટ્રાક્ટરો થાકી ગયા છે. કામકાજ કરવાનું પરવડે તેવું નથી.
પ્રવર્તમાન સમયે સ્ટીલ, સિમેન્ટ, રેતી, ડામર, કપચી અને ઇંટ બધાના ભાવ ખાસ્સા વધેલા છે. સરકાર દ્વારા આરબીઆઇના ઇન્ડેક્સને આધારે ભાવવધારો ચૂકવવામાં આવે છે પરંતુ તે માર્કેટમાં ચાલી રહેલા ભાવ કરતા ઘણો ઓછો હોય છે એટલે પોસાય તેવો હોતો નથી. ઘણા કોન્ટ્રાક્ટરો એટલે જ સરકારી કામથી અળગા થઈ રહ્યા છે. સરકારે આરબીઆઇ ઇન્ડેક્સ પ્રમાણે નહીં પરંતુ બજારભાવ પ્રમાણે વધારો ચૂકવવો જોઈએ. જો સરકાર એમ ન કરી શકે તો કોન્ટ્રાક્ટરની સામે કોઇ પગલાં લીધાં વિના કામકાજમાંથી મુક્ત કરે તેવી માગણી થઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer