ગુજરાતમાં ચૂંટણી વહેલી થશે !

ગુજરાતમાં ચૂંટણી વહેલી થશે !
બજેટ નહીં લેખાનુદાન: બજેટનું સંપૂર્ણ કદ રૂ. 2.30 લાખની આસપાસનું હશે: 4 માસ માટેના સરકારી ખર્ચને પહોંચી વળવા માટેનું આશરે 55,833 કરોડ કે 60,000 કરોડનું લેખાનુદાન મંજૂર કરાય તેવી સંભાવના
 
હૃષિકેશ વ્યાસ
અમદાવાદ તા. 24 : ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં ઉભી થયેલી રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ તેમજ આગામી એપ્રિલ-મે માસમાં પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત દેશના અન્ય પાંચ રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓનું આયોજન થયું હોય તે ચૂંટણીઓની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી અટકળોને બળ મળી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ દ્વારા જે પ્રકારે ‘સ્નેહમિલન’ કાર્યક્મોના ઓઠા હેઠળ રાજકીય પ્રચાર-પ્રસાર અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે તે ક્યાંકને સાબીત કરે છે કે, ચૂંટણી સમય કરતા વહેલી આવી રહી છે. જો કે, હાલ રાજ્યસભાની ચૂંટણીઓ વહેલી યોજવા કોઈ નિર્ણય લેવાયો નથી પણ જો-તોના સમીકરણોને આધિન છે એટલે તેમાં સંજોગો મુજબ ફેરફાર પણ થઈ શકે છે.
દરમિયાન વર્તમાન સ્થિતિને લઇને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ દરમ્યાન યોજાનારા બજેટ સત્રમાં પણ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022-23નું સંપૂર્ણ બજેટનું કદ (ડ્રાફટ) તો રજૂ કરાશે પરંતુ સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ નહીં પણ સરકારના ચાર માસના વહીવટી ખર્ચને પહોંચી શકાય તે રીતનું લેખાનુદાન (વોટ-ઓન-એકાઉન્ટ, આંશિક બજેટ) જ પસાર કરાશે. નોંધનીય છે કે, વર્ષ 2021-22માં સરકાર કુલ રૂ. 2.23 લાખ કરોડનું વાર્ષિક બજેટ મંજૂર કરાવ્યું હતું. આ વખતે અંદાજે કુલ રૂ. 2.32 લાખ કરોડની આસપાસનું બજેટનું કુલ કદ હશે અને એના 4 માસ માટે અર્થાત આશરે 55,833 કરોડ કે 60,000 કરોડનું લેખાનુદાન મંજૂર કરાય તેવી સંભાવના છે. આમ, વિધાનસભાની વહેલી ચૂંટણીઓ તથા સંપૂર્ણ બજેટને બદલે વોટઓન એકાઉન્ટ જેવા મહત્ત્વના નિર્ણયો 10થી 12મી, જાન્યુઆરી-2022માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા બાદ જ લેવાશે.
મહત્ત્વનું છે કે, ગત 17 સપ્ટેમ્બરના રોજ રૂપાણી સરકારને બદલીને ભૂપેન્દ્ર પટેલ જેવા સીધા-સરળ અને ભોળા ધારાસભ્યના નેતૃત્વમાં આખેઆખી નવી સરકારના હાથમાં સત્તાના સૂત્રો સોંપી દેવાયા હતા. હવે આ સરકારને ડિસેમ્બર-2022 સુધી એટલે કે વિધાનસભાની ચૂંટણીની નિયત સમયે જ ચૂંટણી યોજાય તો, સત્તાધારી-ભાજપને ધાર્યા મુજબનો લાભ ઓછો થવાની શક્યતા અંકાઈ રહી છે. જેના મુખ્ય કારણોમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન સરકારની ધોવાયેલી શાખ, કોરોનાના નિયંત્રણોને કારણે અર્થતંત્રને પડેલો આર્થિક ફટકો, રાજ્ય સરકારની પોતાના વેરાની  અને ભારત સરકાર પાસેથી લેવાપાત્ર હિસ્સામાં થયેલો ધરખમ ઘટાડો, સરકારના ચાલુ બજેટમાંથી મોટા-મોટા વિભાગના બજેટની રકમનો કોરોનાની દર્દીઓની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં થયેલો ધરખમ ખર્ચ, વિનામૂલ્યે કરાયેલા વેક્સિનેશનમાં થયેલા મોટો ખર્ચ, ચોમાસામાં વધુ વરસાદ છતાં ડેમોમાં ભરાયેલા ઓછા પાણીથી ઉનાળામાં ઉભી થનારી સિંચાઈ માટે પાણીની ઉભી થનારી સંભવિત તંગી, નવ-નિયુક્ત સરકારનો લોકોમાં કેટલા અંશે સ્વીકાર થાય છે તે, ભાજપની આંતરિક ખેંચતાણની સ્થિતિ અને સામે પક્ષે કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષોની નિક્રિયતા સહિતના અનેક એવા કારણો છે જે વહેલી ચૂંટણી યોજવાની દિશામાં સરકાર આગળ વધે તેવા સંકેત આપી રહ્યાં છે.
10મીથી 12મી, જાન્યુઆરી, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હંમેશની જેમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પણ ઉદ્દઘાટન થવાનું છે અને તેને વૈશ્વિક કક્ષાનું સમિટ સાબિત કરીને અર્થાત રાજ્યનું અર્થતંત્ર પુન: ગતિશીલ બને તે રીતે વધુમાં વધુ મૂડીરોકાણ માટેના એમઓયુ (સમજૂતિ કરાર) કરાય તે રીતે તમામ પ્રયત્નો કરાઈ રહ્યાં છે. જો, સરકારની અપેક્ષા પ્રમાણે સમિટને સફળતા હાંસલ થશે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંભવત: એપ્રિલ-મે-2022માં એટલે કે તેના નિયત સમય કરતાં વહેલી યોજાશે.
સામાન્ય રીતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર દર વર્ષના ફેબ્રુઆરી માસના ત્રીજા સપ્તાહમાં મળતું હોય છે. જે માર્ચના અંત સુધી ચાલતું હોય છે. આ સત્ર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા સરકારનું નવ નાણાકીય વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરાતું હોય છે પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે ડિસેમ્બર-2022માં યોજાય અને જો વહેલી ચૂંટણીઓ આવે તો, એપ્રિલ-મે-2022માં યોજાય તેવી શક્યતાઓને પગલે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં વર્ષ 2022-23ના નવા વર્ષ માટે સંપૂર્ણ કદનું ડ્રાફ્ટ બજેટ તો રજૂ કરાશે પરંતુ વિધાનસભા પાસેથી માત્ર 4 મહિનાના સરકારના વહીવટી ખર્ચને પહોંચી વળવા જેટલું જ લેખાનુદાન (વચગાળાનું-આંશિક) બજેટ રજૂ કરાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer