પાઈ-પાઈ માટે તરસતું પાક.

પાઈ-પાઈ માટે તરસતું પાક.
દેશ કંગાળ બન્યાનો ઈમરાન ખાનનો એકરાર
IMF મદદ રોકી: દરેક પાકિસ્તાની પર 1.75 લાખનું દેણું

ઈસ્લામાબાદ તા.ર4 : પાકિસ્તાનને વિદેશી ઋણમાંથી મુક્ત કરી રિયાસત-એ-મદીના બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલા વડાપ્રધાન ઈમરાન ખાને હવે એકરાર કર્યો છે કે તેમનો દેશ કંગાળ બની ગયો છે. દેશ ચલાવવા જેટલાં નાણાં પણ સરકાર પાસે નથી. પાઈ-પાઈ માટે પાકિસ્તાન તરસી રહયું છે.
ઈમરાન ખાનનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેમાં તેઓ કહે છે કે પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા છે કે તેમની પાસે નાણાં નથી. જેથી રોકાણ થઈ શકતું નથી અને વિકાસ કાર્યો કરી શકાતાં નથી. દેશ ચલાવવા વિદેશી ઋણ લેવું પડી રહયુ છે. ઘરમાં આવક કરતાં ખર્ચ વધુ હોય તો મુશ્કેલીઓ ઉભી થાય છે આવી હાલત હાલ પાકિસ્તાનની છે. પાકિસ્તાનની સરકારે સંસદમાં અગાઉ જાહેર કર્યા મુજબ દરેક પાકિસ્તાની પર 1.7પ લાખનું દેણું છે. છેલ્લા બે વર્ષમાં આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત કથળી છે. વિદેશી એજન્સીઓ ઋણ આપી રહી નથી જેથી ચીન અથવા આરબ દેશો પાસે ખોળો પાથર્યા સિવાય છૂટકો નથી. આઈએમએફએ પાકિસ્તાનને એક અબજ ડોલરની લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે. સરકારે વીજળીના દર વધાર્યા છતાં કોઈ ફેર પડયો નથી. પાકિસ્તાનનું અર્થતંત્ર તબાહીના આરે છે અને આઈએમએફ એ સહાયનો હપ્તો રોકી દેતાં ઈમરાન ખાન સરકાર સામે આગામી સમયમાં વિકરાળ સમસ્યાઓ ઉભી થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer