કૃષિ કાયદાની વાપસીનો આરંભ

કૃષિ કાયદાની વાપસીનો આરંભ
કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં કૃષિ કાયદા રદ કરવાનો પ્રસ્તાવ મંજૂર: હવે સંસદમાં મૂકાશે ખરડો

આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 24 : કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ્દ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ખરડો-ફાર્મ લોઝ રિપીલ બિલ-2021 હવે 29મી નવેમ્બરથી શરૂ થતા શિયાળુ અધિવેશનમાં લોકસભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ખેડૂતો દ્વારા વિરોધ થયા બાદ આ કાયદાઓ રદ્દ કરવા માટે કેન્દ્રીય પ્રધાનમંડળે ખરડાને અંતિમ રૂપ આપ્યું હતું. આ સાથે જ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરાઈ છે.
આ ખરડો રજૂ કરવા માટે ચોક્કસ તારીખ નક્કી નથી થઈ પરંતુ વિરોધ પક્ષ સરકારને સાણસામાં લેવા માટે સજ્જ થઈ ગયો છે. લોકસભામાં આ ખરડો રજૂ કરવામાં આવે ત્યારે વિપક્ષ, ખેડૂતોના એક વર્ષના આંદોલન માટે વળતર અને તેમની સામેના કેસ પાછા ખેંચવાની માગણી કરી શકે છે. ટેકાના ભાવને કાયદાકીય સંરક્ષણ અંગે પણ વિરોધ પક્ષ સરકાર પર દબાણ આણવા માગે છે. સરકાર વિપક્ષની માગણી અંગે શું પ્રતિક્રિયા દર્શાવે છે એ જોવું રહ્યું. ટેકાના ભાવને કાયદાકીય સંરક્ષણ આપવા અંગે સરકાર પાસે ઉકેલ શોધવા સિવાય પર્યાય નથી કારણ કે નહીં તો ખેડૂતોનું આંદોલન સમાપ્ત નહીં થાય.
કેબિનેટ મીટિંગ બાદ સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 19 નવેમ્બરે, ગુરુપુરબના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ પાછા લેવામાં આવશે એવી જાહેરાત કરી હતી અને આજે મળેલી કેબિનેટની બેઠકમાં વડા પ્રધાને કૃષિ કાયદાઓ રદ કરવાની ઔપચારિકતા પૂરી કરી છે.
કૃષિ કાયદાઓ રદ કરવાની વડા પ્રધાનની જાહેરાત છતાં આંદોલનકારી ખેડૂતો કેન્દ્ર સરકાર સામેના વિરોધ પ્રદર્શનને પાછું ખેંચવાના મૂડમાં નથી અને ટેકાના ભાવ તથા કેસ પાછા ખેંચવા સહિત છ માગણીઓ કેન્દ્ર સરકાર સામે મૂકી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ વડા પ્રધાનને પત્ર લખીને આ મુદ્દે ચર્ચાની માગણી કરી છે. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માગણી અંગે લગભગ 40 ખેડૂત સંગઠનો એક વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છે.
શિયાળુ અધિવેશનમાં 26 નવા ખરડા મંજૂર કરવાનું સરકારનું આયોજન છે, જેમાં ફાર્મસ પ્રોડ્યુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન) ઍક્ટ 2020, ફાર્મર્સ (એમ્પાવર્મેન્ટ ઍન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ અૉફ પ્રાઈસ એશ્યુરન્સ, ફાર્મ સર્વિસ ઍક્ટ, 2020 અને એસેન્શિયલ કૉમોડિટીઝ (અમેન્ડમેન્ટ) ઍક્ટ, 2020 રદ કરવા માટે રજૂ કરવામાં આવશે.
-----------------
ગરીબોને માર્ચ સુધી મળશે મફત રાશન
કેબિનેટ દ્વારા ગરીબ કલ્યાણ અન્ન યોજના 4 માસ લંબાવાઈ : ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનીયે મંજૂરી
નવી દિલ્હી, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણા બાદ બુધવારે મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી. સાથોસાથ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ચાર મહિના લંબાવવા માટે પણ કેબિનેટની મંજૂરી મળી હતી.
આમ, દેશના ગરીબ વર્ગને હજુ માર્ચ-2022 સુધી રાશન વિનામૂલ્યે મળતું રહેશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે આ અંગે જાણકારી આપી હતી.
મોદીના એલાનના પાંચ દિવસ બાદ આજે કેબિનેટની બહાલી મળી જતાં હવે ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચવાનો પ્રસ્તાવ શિયાળુ સત્ર દરમ્યાન સંસદના બંન્ને ગૃહોમાં પસાર કરાશે. બંન્ને ગૃહોમાં બહુમતીના આધાર પર પસાર થયા પછી કાયદા રાષ્ટ્રપતિ પાસે જશે અને રાષ્ટ્રપતિ તેના પર મહોર લગાવશે. અંતમાં સરકાર આ અંગે જાહેરનામું જારી કરશે એટલે વિધિવત્ રીતે ત્રણેય નવા કૃષિ કાયદા ખતમ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ કાયદા પાછા ખેંચવા સાથે કિસાનોએ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંહેધરી આપતો કાયદો લાવવા સહિતની માંગો કરી છે.
બીજી તરફ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ચાર માસ સુધી લંબાવાઈ છે. પાંચમાં ચરણ હેઠળ ખાદ્યાન્ન પર 53,344.52 કરોડ રૂપિયાની સબસિડીનું અનુમાન છે.

© 2022 Saurashtra Trust